ગાંધીનગર મહાનગરપાલિકાની (મનપા) આગામી ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો ટોચ પર પહોંચી ગયો છે. ઉમેદવારો તૂટી જવાના અથવા ફોર્મ પરત ખેંચી લેવાના ડરથી કોંગ્રેસે સાવચેતીનાં પગલાં લીધાં છે. પાર્ટીએ પોતાના તમામ 44 ઉમેદવારોને સુરક્ષિત અને અજ્ઞાત સ્થળોએ ખસેડ્યા છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમયમર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી આ ઉમેદવારો બહાર આવશે નહીં.
કોંગ્રેસના ઉચ્ચ આગેવાનોએ ઉમેદવારોને અલગ-અલગ સ્થળોએ સાચવવાની જવાબદારી ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને સોંપી છે. વોર્ડ નંબર 7ની સંપૂર્ણ જવાબદારી પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલને આપવામાં આવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત કગથરાએ દાવો કર્યો છે કે કોઈ પણ ઉમેદવારને બળજબરીથી ક્યાંય લઈ જવામાં આવ્યા નથી. તમામ ઉમેદવારો સ્વેચ્છાએ પોતાના પરિવાર સાથે અજ્ઞાત સ્થળે ગયા છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે સરકાર અને ભાજપના દબાણ તેમજ માનસિક ત્રાસથી બચવા માટે ઉમેદવારોએ આ પગલું ભર્યું છે. કગથરાએ ઉમેર્યું, "પ્રજાએ મન બનાવી દીધું છે, પરંતુ વરરાજા વગર જાનમાં કેવી રીતે જવાય? ઉમેદવારો હશે તો જ મતદારોને વિકલ્પ મળશે."
કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકીએ પણ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ લોકોના મતોની ચોરી અને પ્રપંચ દ્વારા જ ચૂંટણીઓ જીતતો આવ્યો છે. કોંગ્રેસને પોતાના તમામ ઉમેદવારો પર પૂરેપૂરો ભરોસો છે.
બીજી તરફ, ભાજપના નેતા કેતન પટેલે કહ્યું કે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકવાની સ્થિતિમાં નથી અને તેમને પોતાના ઉમેદવારો પર ભરોસો નથી. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર પર દબાણ કરવામાં આવી રહ્યું નથી.
ભાજપના નેતા આશિષ દવેએ કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી લડવા માટે 44 ઉમેદવારો પણ માંડ મળ્યા છે. કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ એટલી છે કે તેમના જ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે તેવો ડર પાર્ટીને સતાવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, "કોંગ્રેસમાં 'ઘર ફૂટે, ઘરે જાય' તેવી દયનીય સ્થિતિ છે. ભાજપ પાસે ગાંધીનગરની જનતાનો મજબૂત જનાધાર છે અને અમે લોકતાંત્રિક મૂલ્યોને આધારે ચૂંટણી લડીએ છીએ." તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે પોતાના શાસનકાળમાં લોકોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસને બંધારણ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી અને તેઓ અત્યારથી જ ગાંધીનગરમાં પોતાની હાર ભાળી ગયા છે.
આ ઉપરાંત, નર્મદા જિલ્લાનો જંગલ જમીન વિવાદ પણ રાજ્યના રાજકારણમાં ગરમાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામે પહોંચીને રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વનમંત્રી આદિવાસીઓમાં ભાગલા પાડી રહ્યા છે અને અંગ્રેજોની જેમ શાસન કરી રહ્યા છે. એક તરફ તેઓ ઉમરપાડાના આદિવાસીઓને ખેતર ખેડવા સૂચના આપે છે, જ્યારે બીજી તરફ સાગબારાના આદિવાસી ખેડૂતોને ખેતી કરતાં અટકાવી તેમને પકડી લેવાનો આદેશ આપે છે. સાંસદ વસાવાએ જણાવ્યું કે વનમંત્રીની આ બેવડી નીતિથી વન અને પોલીસ વિભાગ આદિવાસીઓ પર જુલ્મ ગુજારી રહ્યું છે, જે દુઃખદ છે.
તાજેતરમાં જ વન વિભાગના અધિકારીઓએ જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને પકડીને ટેમ્પોમાં બેસાડી દીધા હતા. સાંસદ વસાવાને જાણ થતાં તેઓ તરત ખોપી ગામે પહોંચ્યા હતા. તેમના આવતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આજે વનમંત્રી અર્જુન મોઢવાડિયા માંડવી ખાતે એક કાર્યક્રમમાં આવ્યા ત્યારે સાંસદે તેમને ચીમકી આપતાં કહ્યું કે અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ આદિવાસીઓની સાથે છે કે તેમની સામે. તેમણે કહ્યું કે મોઢવાડિયાએ સમજી લેવું જોઈએ અને આદિવાસીઓમાં ભાગલા પાડવાનું બંધ કરવું જોઈએ.