ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકારી તંત્ર અને પોલીસનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ લાવી રહ્યું છે, જેથી તેઓ ઉમેદવારી પરત ખેંચી લે.
આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાજ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 6 અને 7 ના ઉમેદવારો તથા તેમના સંબંધીઓને પોલીસ અધિકારીઓ દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, “ચૂંટણી બિનહરીફ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે; અમારે ઉમેદવારોને બચાવવા બહાર ખસેડવા પડે તે કેવી લોકશાહી?”
સંભવિત દબાણ અને ફોર્મ પરત ખેંચવાના ભયને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. તેમની સુરક્ષા માટે વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ફોર્મ ચકાસણી દરમિયાન વકીલોની ટીમ હાજર રહેશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ વીત્યા બાદ ઉમેદવારો સીધા પ્રચારમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપને ચૂંટણી હારવાનો ડર સતાવી રહ્યો છે, જ્યારે ભાજપે આ આક્ષેપો અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.