ગાંધીનગર: છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી કોવિકા ડાઇઝ નામની કેમિકલ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. કંપનીના કેમિકલ પ્લાન્ટમાં રિડક્શન વેસલમાં ખામી સર્જાતાં થયેલા અકસ્માતમાં ચાર કર્મચારીઓનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ અને FSLની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેનું ચોક્કસ કારણ શું છે તે જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, છત્રાલ GIDCમાં આવેલી કોવિકા ડાઇઝ કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક ખામી સર્જાતાં અકસ્માત થયો. બોઈલર ફાટવાની ઘટના બાદ ચાર કર્મચારીઓનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, દુર્ઘટનાની સંપૂર્ણ હકીકત અને ટેકનિકલ કારણો તપાસ બાદ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત પ્રાંત અધિકારી, મામલતદાર અને FSLની ટીમ સહિતનો સરકારી કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે.
કેમિકલ પ્લાન્ટમાં કયા કારણોસર ખામી સર્જાઈ અને તેના પરિણામે આટલો ગંભીર અકસ્માત કેવી રીતે થયો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. FSLની ટીમ દ્વારા પણ ઘટનાસ્થળેથી જરૂરી વિગતો એકત્રિત કરીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે દુર્ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવશે.
પ્રાથમિક માહિતી મુજબ, કંપની પાસે ફાયર સહિતની અન્ય જરૂરી મંજૂરીઓ હોવાની વિગતો સામે આવી છે. જોકે, કંપનીમાં સલામતીનાં કયા પગલાં લેવામાં આવ્યાં હતાં અને અકસ્માત સમયે તમામ નિયમોનું પાલન થતું હતું કે નહીં તે તપાસનો વિષય છે. તપાસ પૂર્ણ થયા બાદ આ મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
કોવિકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીયેટ છત્રાલ ફેઝ 4માં આવેલી એસિડ ડાય બનાવતી કેમિકલ કંપની છે. આજે બપોરે 1 વાગ્યા આસપાસ ચાર મજૂરો કામ કરતા હતા, જેમાંથી બે મજૂર ઓપન રિએક્ટરમાં પાઇપ ફિટિંગ કરતા હતા. ઓપન રિએક્ટરની અંદર 60 થી 70 ડિગ્રી તાપમાનમાં કેમિકલ ભરેલું હતું. પાઇપ ફિટિંગ દરમિયાન કોઈ કેમિકલ રિએક્શનના કારણે પ્રેશર વધવાથી આ ઘટના બની છે. જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા છે.
મૃતકોના નામ: 1) વિનોદકુમાર નંદલાલ સિંહ, ઉં. 42, રહે. સલગાતાન્ડ ગામ, જિલ્લો ગૌડા, ઝારખંડ. 2) ટેડા કાલુ દેહારી, ઉં. 18, રહે. ઉપરગ્રહણ, જિલ્લો દુમકા, ઝારખંડ. 3) સિકંદર લખન દેહરી, ઉં. 40, રહે. ઉપરગ્રહણ, જિલ્લો દુમકા, ઝારખંડ. 4) લક્ષ્મણ મિણા, રહે. ખરબર ગામ, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન.