ગાંધીનગર: ગત 10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભા, સચિવાલય, શાળા અને કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ધમકીનું કનેક્શન બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ગુજરાત સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, બિહારના ભાગલપુરના રહેવાસી રોશન કુમારે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. તે ઝારખંડના ગુલશન કુમારના સંપર્કમાં હતો. ગુલશન કુમાર 2022થી થ્રેટ મેઈલ બનાવવાનું કામ કરતો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે.
સાયબર સેલે બંને આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે મળીને કામ કરતો હતો અને તેમના કહેવાથી પૈસાના બદલામાં આ કામગીરી કરતો હતો. આરોપીએ 5 લાખથી વધુ ઈમેલ આઈડી અને પાસવર્ડ બનાવ્યાનો પણ ખુલાસો કર્યો છે.
આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અને બાંગ્લાદેશ કનેક્શનની તપાસ ચાલુ છે. કેટલાક ટ્રાન્ઝેક્શન થયા છે અને કેટલા લોકો આ નેટવર્કમાં જોડાયેલા છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.