સત્ય. સાહસ. સંકલ્પ.

સચિવાલયને બોમ્બની ધમકી: બિહાર-ઝારખંડથી બે આરોપી ઝડપાયા

સચિવાલયને બોમ્બની ધમકી: બિહાર-ઝારખંડથી બે આરોપી ઝડપાયા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેલ મોકલવાના કેસમાં સાયબર ટીમને મોટી સફળતા મળી છે. બિહારના ભાગલપુરથી રોશન કુમાર અને ઝારખંડથી ગુલશન કુમાર સિંહની ધરપકડ કરવામાં આવી છે.

10 સપ્ટેમ્બરે સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો હતો. સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓને દબોચી લીધા. સાયબર સેલ ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ જણાવ્યું કે, ગુલશન કુમાર સિંહે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુનિક Gmail ઈ-મેલ ID અને પાસવર્ડ બનાવ્યા હતા. તે માત્ર ઈ-મેલ ID અને પાસવર્ડ જ નહીં, પરંતુ ઓથેન્ટિકેટર અને સીડ કોડ પણ તૈયાર કરતો હતો. આ વિગતો આગળ વેચવામાં આવતી હતી અને તેનો ઉપયોગ થ્રેટ ઈ-મેલ મોકલવા માટે કરવામાં આવતો.

આરોપીઓ પાસેથી 5,13,847 યુનિક ઈ-મેલ આઈડી તથા પાસવર્ડનું લિસ્ટ મળી આવ્યું છે. જેના બદલામાં આરોપીઓને બાંગ્લાદેશમાં રહેતા સહ-આરોપીઓ તરફથી નાણાકીય સહાય મળતી હોવાનો ખુલાસો થયો છે.

10 સપ્ટેમ્બરે સચિવાલયને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલનું ID ગુલશન પાસેથી મળી આવેલી શીટમાં પણ મળ્યું છે. જોકે આ IDનો ઉપયોગ કરીને ધમકીભર્યો ઈ-મેલ બિહારથી રોશન કુમારે મોકલ્યો હતો. ગુલશન ID-પાસવર્ડ તૈયાર કરીને આગળ મોકલતો હતો, જ્યારે રોશન તેનો ઉપયોગ કરી ઈ-મેલ મોકલતો.

તપાસમાં ગુલશન કુમાર સિંહના સંપર્કો બાંગ્લાદેશના કેટલાક એન્ટી-નેશનલ તત્વો સાથે હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ ગુલશન ઈ-મેલ ID-પાસવર્ડ તૈયાર કરીને બાંગ્લાદેશમાં મોકલતો હતો અને ત્યાંથી તેનો ઉપયોગ થતો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. આ માટે તેને USDT મારફતે ક્રિપ્ટો પેમેન્ટ મળતું હોવાની પણ માહિતી મળી છે. બાંગ્લાદેશી તત્વોની ચોક્કસ ભૂમિકા અને ગુલશન સાથેના તેમના સંબંધ અંગે તપાસ ચાલુ છે.

આરોપી પાસેથી બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ પૈકી કેટલા વ્યવહારો કાયદેસરના હતા અને કેટલા થ્રેટ ઈ-મેલના નેટવર્ક સાથે સંકળાયેલા હતા તે જાણવા માટે ક્રિપ્ટો વોલેટ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુલશન કુમાર વર્ષ 2022થી આ પ્રકારની કામગીરી કરતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા માત્ર બે દિવસના ડેટાની તપાસમાં જ 14 હજારથી વધુ યુનિક ઈ-મેલ ID બનાવેલી મળી આવી છે. અગાઉના સમયગાળામાં બનાવવામાં આવેલી IDનો આંકડો 5 લાખથી વધુ છે.

સાયબર સેલ હવે ગુજરાતમાં આવેલા ઈ-મેલ ઉપરાંત સમગ્ર ભારતમાં અગાઉ આવેલા બોમ્બ અને અન્ય થ્રેટ ઈ-મેલનો ડેટા મંગાવીને તપાસ કરશે. આરોપીઓ પાસેથી મળેલી ઈ-મેલ IDમાંથી કોઈનો ઉપયોગ અગાઉના થ્રેટ મેઇલમાં થયો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ IDની વિગતો અન્ય લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ IDનો ઉપયોગ કરીને કોઈ ધમકી આપવામાં આવે તો આરોપીઓ સુધી પહોંચી શકાય.

ભાગલપુરથી ઝડપાયેલો રોશન કુમાર 12 પાસ છે અને ટેકનિકલ ITIમાં નોકરી કરે છે. તે ટેક-સેવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને ઈ-મેલ ઓથેન્ટિકેશન બાયપાસ સહિતની ટેકનિકલ બાબતો જાણતો હતો. પ્રાથમિક તપાસમાં તેનો મુખ્ય હેતુ પૈસા કમાવવાનો હોવાનું જણાય છે. બીજી તરફ ઝારખંડથી ઝડપાયેલો ગુલશન કુમાર સિંહ B.Sc. સુધી ભણેલો છે. તે ઈ-મેલ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા હેન્ડલિંગ સહિતનાં ટેકનિકલ કામ સાથે સંકળાયેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ બંનેનો ઓન-પેપર અગાઉનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો નથી.

હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં, બાંગ્લાદેશ સાથેના સંપર્કમાં કોણ-કોણ સામેલ છે અને અગાઉના થ્રેટ ઈ-મેલમાં આ નેટવર્કનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તપાસમાં ગાંધીનગર પોલીસ ઉપરાંત બિહાર અને ઝારખંડ પોલીસનો સહયોગ મળ્યો છે તેમજ જરૂરીયાત મુજબ i4C સાથે પણ સંકલન કરવામાં આવશે.