સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે સંકલ્પપત્રમાં AI ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ રોડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સંકલ્પ કર્યો

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે સંકલ્પપત્રમાં AI ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ રોડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સંકલ્પ કર્યો

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યું છે. જેમાં શહેરને વધુ સ્માર્ટ અને સુગમ બનાવવા માટે અનેક વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરને સચિવાલયનું શહેર ગણાવતાં કહ્યું કે ગાંધીનગર હવે ગ્લોબલ કંપનીઓનું હબ બન્યું છે અને વેપાર તથા રોજગારીની વ્યાપક તકો ઊભી થઈ રહી છે. આગામી પાંચ વર્ષમાં લોકોના સાથ-સહકારથી શહેરને વધુ વિકસિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

સંકલ્પપત્ર મુજબ ટ્રાફિક વ્યવસ્થાપન માટે AI આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે. મહત્વના માર્ગોને ટ્રાફિક અને સલામતીને ધ્યાનમાં રાખીને વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.

ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનું વચન પણ આપવામાં આવ્યું છે. શહેરના વિવિધ સેક્ટરોનું સૌંદર્યીકરણ થશે અને દરેક પ્રવેશદ્વાર પર સંબંધિત સેક્ટરની આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.

રોડ નંબર-2 અને રોડ નંબર-3 તથા ‘ઘ’થી પેથાપુર સુધીના માર્ગોને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિસ્તારના રસ્તાઓને તબક્કાવાર CC રોડમાં રૂપાંતરિત કરવામાં આવશે અને 25થી વધુ માર્ગોને ડસ્ટ ફ્રી બનાવવાનો સંકલ્પ છે.

સેક્ટર-1થી પેથાપુર સહિતના મહત્વના માર્ગો પર ટ્રાફિક અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવશે. ખ-2થી વાવોલ ઓવરબ્રિજ તેમજ ક-7થી રાંધેજા તરફના ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં AI લેબ વિકસાવવાની જાહેરાત છે. શહેરમાં આધુનિક નમો લાઇબ્રેરી વિકસાવવામાં આવશે અને તમામ ગામોમાં પુસ્તકાલય તથા વાંચનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

રમતગમત ક્ષેત્રે કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં ગાંધીનગરમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન કરવામાં આવશે. રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાનું આયોજન છે.

ભાજપે ઉદ્યોગ, વેપાર અને રોજગારીની તકો વધારવા પર ભાર મૂક્યો છે. આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે ગાંધીનગરને સ્માર્ટ અને સુગમ શહેર બનાવવાનું વિઝન આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.