સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ દેખાડ્યો એકસરખો ખર્ચ

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ દેખાડ્યો એકસરખો ખર્ચ

ગાંધીનગર મહાનગરપાલિકાની (GMC) આગામી ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે 2021ની ચૂંટણીના ખર્ચના હિસાબને લઈને એક વિવાદ ઊભો થયો છે. RTI કાર્યકર્તા સંતોષસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, 2021માં ચૂંટાયેલા ભાજપના તમામ 41 કોર્પોરેટરોએ ચૂંટણી પંચ સમક્ષ પોતાના પ્રચાર ખર્ચનો હિસાબ એકસરખો દર્શાવ્યો હતો.

આ તમામ 41 ઉમેદવારોએ મંડપ, નાસ્તો અને ડીજે સહિતના આયોજનો માટે 1,33,380 રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. અલગ-અલગ વોર્ડમાં પ્રચાર કરવા છતાં છેલ્લી પાઈ સુધી ખર્ચનો આંકડો એકસમાન કેવી રીતે હોઈ શકે, તે પ્રશ્ન ઊભો કરે છે.

વધુ આશ્ચર્યની વાત એ છે કે દરેક ઉમેરદવારે પોતાના ખર્ચના પત્રકમાં 1થી લઈને 170 નંબર સુધીની એન્ટ્રીઓ પણ એકસરખી દર્શાવી છે. આ બાબત ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કરે છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ શંકાસ્પદ ખર્ચ દર્શાવનારા 41 કોર્પોરેટરોમાંથી 12 નેતાઓને પ્રદેશ ભાજપ દ્વારા આગામી ચૂંટણી માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

સંતોષસિંહ રાઠોડે ચૂંટણી પંચના નિયમોનો હવાલો આપતા કહ્યું કે, જે નેતાઓ 'સ્ટાર પ્રચારક'ની યાદીમાં નથી હોતા અને તેઓ કોઈ ઉમેદવારના પ્રચાર કે સભામાં જોડાય, તો તેમના આવવા-જવાનો, રોકાવાનો અને જમવાનો તમામ ખર્ચ તે ઉમેદવારના અંગત ખર્ચમાં ગણવામાં આવે છે. પરંતુ આ 41 પૈકી એક પણ ઉમેદવારે આવા પ્રચારકોના ખર્ચનો હિસાબ પોતાના ચોપડે દર્શાવ્યો નથી, જે નિયમોનો ભંગ હોવાનો દાવો કરવામાં આવે છે.

આ કથિત ગેરરીતિ અંગે છેલ્લા પાંચ વર્ષમાં તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં 6 જેટલા કલેક્ટર બદલાઈ ગયા છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લે ડિસેમ્બર 2023માં આ કેસની સુનાવણી થઈ હતી, ત્યારબાદ આજદિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે સુનાવણી કરવામાં આવી ન હોવાનો આરોપ RTI કાર્યકર્તાએ લગાવ્યો છે. ચૂંટણીના ઉંબરે ઊભેલા ગાંધીનગરમાં આ ખુલાસાથી મતદાતાઓમાં ચર્ચા થઈ રહી છે.