સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારો જાહેર કર્યા, 3 વોર્ડમાં હજુ મંથન

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારો જાહેર કર્યા, 3 વોર્ડમાં હજુ મંથન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 32 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે, ત્રણ વોર્ડના 12 ઉમેદવારોના નામ હજુ નક્કી થઈ શક્યા નથી.

પક્ષમાં વોર્ડ નંબર 2, 4 અને 6ના ઉમેદવારો અંગે મડાગાંઠ ચાલી રહી છે. વોર્ડ નંબર 2માં ક્ષત્રિય સમાજના રાજેન્દ્રસિંહ વાઘેલા અને અનિલસિંહ વાઘેલા વચ્ચે સ્પર્ધા છે. વોર્ડ નંબર 6માં ચૌધરી સમાજના ઉમેદવારોને લઈને ભાજપમાં ગૂંચ ઉકેલાઈ નથી.

જાહેર થયેલી યાદીમાં કેટલાક ઉમેદવારોને ફરી ટિકિટ મળી છે. વોર્ડ નંબર 1માં અંજનાબેન મહેતા, વોર્ડ નંબર 3માં અંકિત બારોટ અને સોનાલી પટેલ, વોર્ડ નંબર 5માં કિંજલ પટેલ અને હેમાબેન ભટ્ટ, વોર્ડ નંબર 7માં શૈલેષકુમાર પટેલ, સોનલબા વાઘેલા અને કિંજલબેન ઠાકોર તેમજ વોર્ડ નંબર 11માં જશવંત પટેલ અને સેજલબેન પરમારને રિપિટ કરાયા છે.

વોર્ડ નંબર 8માં તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 9માં એક પણ કોર્પોરેટરને રિપિટ કરાયા નથી.