સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર વિધાનસભા અને કોર્ટને બોમ્બની ધમકી, અમદાવાદની શાળાઓ પણ નિશાન પર

ગાંધીનગર વિધાનસભા અને કોર્ટને બોમ્બની ધમકી, અમદાવાદની શાળાઓ પણ નિશાન પર

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં પોલીસે સમગ્ર સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે.

આજે ફરી એકવાર અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથેનો ઈમેલ મળ્યો હતો, જેને લઈને સઘન ચેકિંગ શરૂ થયું છે. અગાઉ પણ રાજ્યની વિવિધ કોર્ટોને આવી ધમકીઓ મળી ચૂકી છે.

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં આજે ધમકીભર્યા ઈમેલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અમદાવાદની વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગઈ છે. આ ઉપરાંત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વેજલપુરની ઝાયડસ સ્કૂલનું ઈમેલ આઈડી સવારે ખોલતા જ તેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો મેલ જોવા મળ્યો હતો. ધમકીની જાણ થતાં જ શાળા સંચાલકોએ તુરંત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વેજલપુર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે શાળા તાત્કાલિક ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

બીજી તરફ, બોપલ સ્થિત DPS સ્કૂલને પણ આવો જ ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ધમકીની જાણ થતાં જ શાળા પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. શાળાઓમાં ધમકીની ખબર ફેલાતા જ મોટી સંખ્યામાં ચિંતિત વાલીઓ બાળકોની સલામતી માટે શાળાએ પહોંચી ગયા હતા અને પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા.

માત્ર શાળાઓ જ નહીં, પરંતુ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ ઈમેલ મારફતે બોમ્બની ધમકી મળતાં નાસભાગ મચી ગઈ હતી. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસરમાંથી વકીલો, પક્ષકારો અને સ્ટાફને તુરંત જ બહાર કાઢવામાં આવ્યા હતા.

હાલમાં તમામ સ્થળોએ પોલીસ, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમની ટીમ તપાસ ચલાવી રહી છે. તપાસ દરમિયાન હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.