સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર અક્ષરધામમાં 'દીપોત્સવી પર્વ': 10,000 દીવડાની રોશની, 8 દિવસ ચાલશે ઉજવણી

ગાંધીનગર અક્ષરધામમાં 'દીપોત્સવી પર્વ': 10,000 દીવડાની રોશની, 8 દિવસ ચાલશે ઉજવણી

ગાંધીનગર સ્થિત અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ‘દીપોત્સવી પર્વ’ની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે. આ વર્ષે સતત 34મા વર્ષે 10,000 દીવડા પ્રગટાવીને સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવામાં આવશે.

દર્શનનો સમય સાંજે 6:00 થી 7:45 વાગ્યા સુધીનો રહેશે. ખાસ નોંધ: સોમવાર, 9 નવેમ્બરના રોજ પણ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ મુખ્ય આકર્ષણો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.

સંધ્યા સમયે હજારો દીવડાઓની રોશની વચ્ચે ઝળહળતું અક્ષરધામ મંદિર, હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ‘ગ્લો ગાર્ડન’, ‘નીલકંઠ વાટિકા’માં આકર્ષક લાઇટિંગ અને 108 ગૌમુખમાંથી વહેતી સંગીતમય જલધારા વચ્ચે બિરાજમાન નીલકંઠ વર્ણીની મૂર્તિ મુલાકાતીઓને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની દિવ્ય અનુભૂતિ કરાવશે.

આ વર્ષે દીપાવલી નિમિત્તે મહામંદિરના ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ 12 ફૂટ × 8 ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. ‘જીવનમાં શાશ્વત સુખ માટે કયો માર્ગ અપનાવવો?’ એ થીમ પર આધારિત આ રંગોળી મહાભારતના પ્રસિદ્ધ શ્લોક ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ (શાશ્વત સુખ માટે મહાપુરુષોએ કંડારેલા માર્ગનું અનુસરણ કરો) શીર્ષક હેઠળ તૈયાર કરાઈ છે.