ગાંધીનગર મહાનગરપાલિકાની ઇજનેરી શાખામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવટી ફોટોગ્રાફ્સ અને સર્ટિફિકેટ તૈયાર કરીને બિલ મંજૂર કરાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. વોર્ડ નંબર 11માં જમીન પર કોઈ કામ કર્યા વિના કામ પૂર્ણ થયાનું દર્શાવી બિલ મંજૂર કરાવવા માટે ફાઇલ રજૂ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનરે પ્રાથમિક તબક્કે જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 11માં શેડ, પેવર બ્લોક, ચેઇન લિંક ફેન્સિંગ અને આંતરિક રસ્તાઓના નિર્માણ માટે અલગ-અલગ એજન્સીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કામોમાં મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સમીર કન્સ્ટ્રક્શન એજન્સીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ એજન્સીએ અંદાજે 70થી 80 લાખ રૂપિયાનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે અન્ય વ્યક્તિને સોંપ્યું હતું. તપાસમાં હર્ષવર્ધન નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જે અગાઉ ગાંધીનગર મનપાની ઇજનેરી શાખામાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો. આક્ષેપ મુજબ, વોર્ડના કામકાજનું મોનિટરિંગ કરતા ઇજનેરો સાથે સાંઠગાંઠ કરીને સ્થળ પર વાસ્તવિક કામ કર્યા વિના બિલ રજૂ કરવાની યોજના ઘડવામાં આવી હતી.
નિયમ મુજબ, કામ પૂર્ણ થયા બાદ બિલ રજૂ કરતી વખતે કામના પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ અને મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC) એજન્સીનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. જોકે, મ્યુનિસિપલ કમિશનરની તપાસમાં વોર્ડ નંબર 11માં દર્શાવેલાં કેટલાંક કામ વાસ્તવમાં થયાં જ ન હોવા છતાં કામ પૂર્ણ થયાનું દર્શાવતા ફોટોગ્રાફ્સ રજૂ કરાયા હોવાનું સામે આવ્યું હતું. તપાસ મુજબ, આ ફોટોગ્રાફ્સ AIની મદદથી તૈયાર કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, જ્યારે સંબંધિત PMC એજન્સીનો સંપર્ક કરીને સર્ટિફિકેટ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે એજન્સીએ આવું કોઈ સર્ટિફિકેટ ઇશ્યૂ કર્યું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદની તપાસમાં PMCનાં સર્ટિફિકેટ પણ AI ટેક્નોલોજીની મદદથી બનાવટી તૈયાર કરાયાં હોવાની વિગતો સામે આવી હતી.
આ સમગ્ર પ્રકરણમાં ઇજનેરી શાખાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર નંદીશ માંડલિયા સહિત જવાબદાર ઇજનેરોની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે. તેમની મિલીભગત હોવાના આક્ષેપો વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે પ્રથમ તબક્કે ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કથિત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ કે કર્મચારીઓની ભૂમિકા સામે આવે તો તેમની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રકરણમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરકારી કામકાજના પુરાવા અને પ્રમાણપત્રો બનાવટી તૈયાર કરાયાં હોવાના આક્ષેપને પગલે મહાનગરપાલિકાની બિલ મંજૂરી પ્રક્રિયા અને કામોની ચકાસણી વ્યવસ્થા પણ ચર્ચામાં આવી છે.