સત્ય. સાહસ. સંકલ્પ.

અડાલજ નજીક ગરબા પરત ફરતી કાર પલટી, ત્રણના મોત

અડાલજ નજીક ગરબા પરત ફરતી કાર પલટી, ત્રણના મોત

ગાંધીનગરના અડાલજ રોડ પર મહારાજા હોટેલ નજીક આજે દશેરાની વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી હોન્ડાઈ વરની કાર (GJ 01 KW 5647) રોડ વચ્ચેના ડિવિડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચારમાંથી એક યુવક અને એક યુવતીનું સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસ સૂત્રો મુજબ, કે.ડી. હોસ્પિટલમાં મૃત્યુ પામેલી યુવતીનું નામ આસ્થા (ઉં.વ. 25) છે. તેણી અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને મૂળ રાજકોટની રહેવાસી હતી. અન્ય બે મૃતકોની ઓળખ હજી સામે આવી નથી.

અકસ્માતનો ભોગ બનેલી કારમાં કુલ ચાર યુવામિત્રો સવાર હતા, જે ગાંધીનગરમાં ગરબા રમીને વહેલી સવારે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. અડાલજ રોડ પર મહારાજા હોટેલની નજીક પહોંચતા જ કારચાલક યુવકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર ધડાકા સાથે રોડના ડિવાઈડર પર ચઢી ગઈ અને ઊંચી ઝડપને કારણે પલટી ખાઈને રોડ પર ફંગોળાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા ઊડી ગયા હતા. ઘટના બનતાં જ આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા યુવકો અને યુવતીઓને બહાર કાઢ્યા હતા. યુવતી અને યુવકના માથાના ભાગેથી મોટી માત્રામાં લોહી વહેતા રોડ પર રેલા ચાલ્યા હતા અને બન્નેએ સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવક અને યુવતીને તાત્કાલિક નજીકની કે.ડી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બંનેની સ્થિતિ નાજુક હોવાનું જણાવીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન યુવતીએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા. ચોથા યુવકની હાલત પણ ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે અને તે ડૉક્ટરોની સઘન દેખરેખ હેઠળ છે.

અડાલજ પોલીસના PI એસ. જી. દેસાઈએ જણાવ્યું કે, કારમાં બે યુવતી અને બે યુવક સવાર હતા. ગરબા રમીને પરત જતી વેળાએ ડિવાઈડર સાથે કાર ટકરાઈને પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હાલમાં મૃતકોની ઓળખ માટે તજવીજ ચાલી રહી છે. પોલીસે ક્રેનની મદદથી કારને હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો.