અમદાવાદના ગાંધીગ્રામ અને સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે ટેકનિકલ કામગીરી માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે 12 ઓક્ટોબરે ટ્રેન નંબર 12548 ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ એક્સપ્રેસનો રૂટ બદલાયો છે.
આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ચાંદખેડા-મહેસાણાને બદલે ડાયવર્ટ કરીને બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ અને મહેસાણા થઈને જશે. ટ્રેન ગાંધીગ્રામથી સાંજે 4:40 વાગ્યે રવાના થશે.
આ રૂટ ફેરફારને કારણે ટ્રેને વધુ અંતર કાપવું પડશે, જેથી આગ્રા કેન્ટ સુધીની મુસાફરીનો સમય વધી જશે. વિવિધ સ્ટેશનો પર ટ્રેનના આગમનના સમય પર પણ અસર પડી શકે છે. પ્રવાસ સમયમાં કુલ કેટલો વધારો થશે તેની સત્તાવાર વિગતો રેલવે દ્વારા જાહેર કરાઈ નથી.
રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલાં અથવા મુસાફરીનું આયોજન કરતી વખતે ટ્રેનના બદલાયેલા રૂટ અને સમય અંગેની તાજેતરની માહિતી ચકાસી લે, જેથી પ્રવાસ દરમિયાન કોઈ અગવડ ન પડે.