આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. આ અવસરે દેશભરમાં તેમજ વિદેશમાં ભારતીય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા તેમના સ્મારક 'રાજઘાટ' ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજઘાટ ખાતે તેમના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો: PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
આજે ગાંધી જયંતીના પાવન અવસરે અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં વિવિધ ધર્મના પ્રાર્થના તેમજ પ્રવચનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી લેલા તૈયબજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સવારે સર્વધર્મ પ્રાર્થના સાથે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને સર્વધર્મ સમભાવના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનો સહિત અનેક અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા.
ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત 104 વર્ષના ગાંધીવાદી વિજય શંકર જોષીએ પોતાની સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે, 1947માં ભાગલા વખતે તેઓ સ્ટીમર માર્ગે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેમણે ગાંધીજીને લખતર સ્ટેશન પર થર્ડ ક્લાસના ડબ્બામાં જોયા હતા અને એ સમયે તેમની ઉંમર 15 વર્ષની હતી. તેઓ દિલ્હીમાં દર શુક્રવારે સાંજે ગાંધીજીની પ્રાર્થના સભામાં જતા હતા અને જો ગાંધીજી પાંચ મિનિટ પણ મોડા પડે તો સભામાં માફી માગતા હતા. તેમણે કરાંચીમાં માઉન્ટબેટન અને મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને તુર્કિસ્ટ ટોપી ઓઢાડી હોવાનો પ્રસંગ પણ યાદ કર્યો હતો. જ્યારે ગાંધીજીને ગોળી વાગી ત્યારે તેઓ માણેક ચોકમાં હતા અને બાદમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે પણ તેમની સાથે વાત થઈ હતી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી દર શુક્રવારે અહીં પ્રાર્થના સભામાં આવે છે.
બીજી તરફ, ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિમંદિર ખાતે પણ ગાંધી જન્મ જયંતી નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન' દ્વારા યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રના વિકાસ માટે બાપુએ જોયેલું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે. બાપુએ દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી અને હવે 2047માં આઝાદીની શતાબ્દી નિમિત્તે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે.