સત્ય. સાહસ. સંકલ્પ.

ગંભીરા બ્રિજનું આજે લોકાર્પણ: 12 મહિનામાં ₹212 કરોડના ખર્ચે તૈયાર

ગંભીરા બ્રિજનું આજે લોકાર્પણ: 12 મહિનામાં ₹212 કરોડના ખર્ચે તૈયાર

વડોદરા: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા નવા ગંભીરા બ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મહીસાગર નદી પર ₹212 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ માત્ર 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યો છે. બ્રિજ શરૂ થતાં વડોદરા, આણંદ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહનવ્યવહાર ફરી સરળ બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે 3:00 વાગ્યે વડોદરા જિલ્લાના વરણામા ખાતે આવશે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહીને તેઓ વડોદરા શહેર તેમજ જિલ્લાના નાગરિકો માટે ₹1,273 કરોડના વિવિધ જનહિતકારી વિકાસ કામોની ભેટ આપશે.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર ગંભીરા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બ્રિજની લંબાઈ 858.75 મીટર છે. જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંકા ગાળામાં નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

જૂના ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને નવા બ્રિજના લોકાર્પણમાં ઉતાવળ કરવામાં આવી નહોતી. સિવિલ વર્ક પૂર્ણ થયા બાદ બ્રિજની મજબૂતી અને સુરક્ષાની ચકાસણી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ જરૂરી ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ હવે બ્રિજ લોકાર્પણ માટે તૈયાર છે.

નવા ગંભીરા બ્રિજના નિર્માણમાં નદીના પાણીના પ્રહારથી પાયાને સુરક્ષિત રાખવા માટે ખાસ 'પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંક્રિટનું આ વિશેષ સ્તર નદીના ઝડપી વહેણ, પથ્થરોના ઘસારા અને રાસાયણિક અસરો સામે બ્રિજના પિલર્સને સુરક્ષા આપશે.

ગંભીરા બ્રિજ વાહનવ્યવહાર માટે શરૂ થતાં વડોદરા અને સૌરાષ્ટ્ર વચ્ચેનું જોડાણ ફરી પુનઃસ્થાપિત થશે. આણંદ, વડોદરા અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહનચાલકોને પણ વધુ સરળ અને ઝડપી માર્ગ મળશે. બ્રિજ શરૂ થવાથી મુસાફરીનો સમય અને બળતણની બચત થવાની સાથે વેપાર-રોજગારને પણ વેગ મળવાની શક્યતા છે.

મુખ્યમંત્રી આજે બપોરે 3 વાગ્યે વડોદરાના વરણામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન ગંભીરા બ્રિજ ઉપરાંત કુલ ₹1,273 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરા શહેરમાં નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું પણ લોકાર્પણ કરાશે. ₹25 કરોડથી વધુના ખર્ચે બનેલા આ મેમોરિયલમાં મ્યુરલ્સ, ભાષણોના વર્ચ્યુઅલ અનુભવ તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ પ્રદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે 9 જુલાઈ 2025ના રોજ મહી નદી પરનો જૂનો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. સવારે નોકરી અને ધંધા માટે જતા વાહનો એક પછી એક નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયા હતા. ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. ત્યારબાદ નવા બ્રિજનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું, જે હવે માત્ર 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.