ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી પાંચ ટી-20 મેચની શ્રેણીમાં વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળે કે નહીં તે સોશિયલ મીડિયાના દબાણ કે લોકપ્રિયતાના આધારે નક્કી નહીં થાય. ટીમની પસંદગી માત્ર અને માત્ર ખેલાડીઓના વર્તમાન ફોર્મ અને ટીમ સંયોજનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં એશિયન ગેમ્સમાં પોતાની બેટિંગ ક્ષમતા દર્શાવી છે. શ્રીલંકા સામેની સેમિફાઈનલમાં મુશ્કેલ પિચ પર તેણે માત્ર 21 બોલમાં 38 રન ફટકાર્યા હતા, જ્યારે પાકિસ્તાન સામેની ગોલ્ડ મેડલ મેચમાં 15 રન કર્યા હતા. ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં તેણે બે અડધી સદી પણ ફટકારી છે. આ પહેલાં તે ભારત તરફથી સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો ખેલાડી બન્યો હતો. તેની આક્રમક બેટિંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે, અને ક્રિકેટપ્રેમીઓનો એક વર્ગ તેને અભિષેક શર્મા સાથે ઓપનિંગમાં રમાડવાની માંગ કરી રહ્યો છે.
જોકે, ગંભીરે આ માંગને પરોક્ષ રીતે નકારતાં કહ્યું કે, 'સોશિયલ મીડિયા કે બહારનું દબાણ ભારતીય ટીમની પ્લેઈંગ-ઈલેવન નક્કી કરી શકે નહીં. કોચ અને કેપ્ટન મેદાન પર મેચ જીતવા માટે જે ખેલાડીઓ અને સંયોજનને શ્રેષ્ઠ માને છે, તેના આધારે ટીમ પસંદ કરવામાં આવે છે. માત્ર લોકપ્રિયતા કે બહારની ચર્ચાના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી.'
ગંભીરે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઉઠાવ્યો: 'જો સૂર્યવંશીને ટીમમાં સામેલ કરવો હોય, તો કોને બહાર બેસાડવો? અભિષેક શર્મા કે સંજુ સેમસન? બંનેએ ભારતની ટી-20 સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આથી એક યુવા પ્રતિભાને તક આપવા માટે સ્થાપિત અને સફળ સંયોજનને અચાનક તોડી નાખવું સરળ નિર્ણય નથી.'
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ટી-20 ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને અભિષેક શર્મા તથા સંજુ સેમસન જેવા ખેલાડીઓએ ઓપનિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સંદર્ભમાં ગંભીરનું નિવેદન ટીમ મેનેજમેન્ટની સ્થિરતા અને નિષ્પક્ષતા દર્શાવે છે.