સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝ જીત્યા બાદ ગંભીરની પોસ્ટ: 'બોલર્સ જ સિરીઝ જીતાડે છે'

ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝ જીત્યા બાદ ગંભીરની પોસ્ટ: 'બોલર્સ જ સિરીઝ જીતાડે છે'

ન્યૂઝીલેન્ડ સામે 3-1થી વનડે સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. ગંભીરે સિરીઝ જીતનો શ્રેય ભારતીય બોલરોને આપતાં લખ્યું, 'Bowlers win you series! Proud of our boys.' તેમની આ પોસ્ટમાં બેટ્સમેનોનો ઉલ્લેખ ન હોવાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સે તેને ભારતીય બેટિંગ પર આડકતરી ટિપ્પણી ગણાવી છે, તો કેટલાકે રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હોવાની અટકળો વ્યક્ત કરી છે.

ભારતે પાંચમી અને અંતિમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 22 રનથી હરાવીને સિરીઝ 3-1થી જીતી હતી. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતાં 209 રન બનાવી શકી હતી. જોકે, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની ટીમને 187 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

ગંભીરની પોસ્ટ પર સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું છે. એક યુઝરે લખ્યું કે જીતનો સંપૂર્ણ શ્રેય બોલરોને જાય છે. ભારતની ટીમ ઓલઆઉટ થઈ અને 50 ઓવર પણ પૂરી રમી શકી નહીં, તે સારી વાત નથી. જીત મળી હોવા છતાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી. વિજય નામના યુઝરે ગંભીરની પોસ્ટને રોહિત શર્મા અને વિરાટ કોહલી પર આડકતરો કટાક્ષ ગણાવ્યો હતો. જ્યારે અંશુ સિંહ નામના યુઝરે ગંભીરની વાત સાથે સહમતી દર્શાવી હતી. તેમણે કહ્યું કે આ સિરીઝમાં બોલરોએ જ ટીમને મેચ જીતાડી છે. તમામ બોલરોએ પોતાની સ્પેલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ પાસેથી આવી જ ફાસ્ટ બોલિંગની અપેક્ષા છે.

સિરીઝમાં કોહલી અને રોહિતનું પ્રદર્શન પાંચ મેચની સિરીઝમાં એક મેચ રદ થતાં કુલ ચાર મેચ રમાઈ હતી. બેટિંગમાં ન્યૂઝીલેન્ડના વિલ યંગે ચાર ઇનિંગ્સમાં સૌથી વધુ 162 રન બનાવ્યા હતા. ટિમ સીફર્ટે 110 રન સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ ચાર ઇનિંગ્સમાં 86 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ચાર ઇનિંગ્સમાં માત્ર 30 રન નોંધાવ્યા હતા. શ્રેયસ અય્યરના નામે 67 રન અને શુભમન ગિલના નામે બે ઇનિંગ્સમાં 37 રન રહ્યા હતા.

ગંભીર માટે પણ ખાસ રહી સિરીઝ: મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની વિદેશી ધરતી પર આ પ્રથમ વનડે સિરીઝ જીત હતી. આ પહેલાં ભારતે ટી-20 સિરીઝ પણ 3-2થી જીતી હતી. આ સાથે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસનો વ્હાઇટ બોલનો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ભારતની જીત સાથે ન્યૂઝીલેન્ડની ઘરઆંગણે સતત 11 દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતવાની શ્રેણીનો પણ અંત આવ્યો હતો. છેલ્લે 2019માં ભારતે જ ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર વનડે સિરીઝમાં હરાવ્યું હતું.

અંતિમ વનડેમાં ભારતીય બોલરોએ પલટાવી બાજી: માઉન્ટ મૌનગાનુઈમાં રમાયેલી અંતિમ વનડેમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા 7 અને વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયા હતા. ઋતુરાજ ગાયકવાડ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. ત્યારબાદ અક્ષર પટેલે 46 અને ઈશાન કિશને 46 રન બનાવ્યા હતા. નમન ધીરે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 209 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ફાસ્ટ બોલરો સામે ટકી શકી નહોતી. અર્શદીપ સિંહે 30 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 50 રનમાં બે વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 187 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે 22 રનથી મેચ જીતીને સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી.