સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતી, ગંભીરે કહ્યું: મારા શબ્દકોશમાં 'ડર' શબ્દ જ નથી

ન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતી, ગંભીરે કહ્યું: મારા શબ્દકોશમાં 'ડર' શબ્દ જ નથી

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી 3-2થી જીતી લીધી છે. શ્રેણીની છેલ્લી મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. પરંતુ આ હારની શ્રેણીના પરિણામ પર અસર પડી નહોતી.

શ્રેણી પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયા કોઈપણ પડકારથી ડરતી નથી.

ગંભીરે જણાવ્યું કે ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂરી કરીને સીધી ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. ખેલાડીઓ 20 તારીખે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા અને 21 તારીખે માત્ર એક દિવસની પ્રેક્ટિસ કરી શક્યા. નવું હવામાન, નવા મેદાન અને નવી પરિસ્થિતિઓમાં ઢળવા માટે આ ખૂબ ઓછો સમય હતો.

તેમણે વધુમાં કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના ઘરઆંગણે રમી રહી હતી અને T20 ક્રિકેટમાં તેનો અનુભવ સારો છે. ભારતના મોટાભાગના ખેલાડીઓ પહેલીવાર ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવ્યા હતા. આમ છતાં ટીમે જે રીતે રમત બતાવી અને શ્રેણી જીતી, તેના માટે દરેક ખેલાડી અને આખી ટીમ ગર્વ અનુભવી શકે તેવી વાત છે.

પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરને પૂછવામાં આવ્યું કે આટલી ઓછી તૈયારી સાથે મેદાનમાં ઉતરતી વખતે ટીમને ડર હતો કે નહીં. તેમના જવાબમાં ગંભીરે કહ્યું, “મને કોઈપણ વસ્તુનો ડર નથી. મારા શબ્દકોશમાં અને મારી વિચારધારામાં 'ડર' જેવો કોઈ શબ્દ જ નથી. મારા જીવનમાં આ શબ્દનું કોઈ સ્થાન નથી.”

ગંભીરના આ નિવેદન પરથી ટીમના અભિગમ વિશે સ્પષ્ટ થાય છે. તેમના મતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પડકારો અને મુશ્કેલ પરિસ્થિતિઓ આવતી રહે છે, પરંતુ ખેલાડીઓએ આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરવો જોઈએ.

આ શ્રેણી જીત ટીમ માટે એટલા માટે પણ મહત્વની છે કે ઓછી તૈયારી અને મજબૂત પ્રતિસ્પર્ધી સામે મળેલી સફળતાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે. ગંભીરની વાતો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તેઓ માત્ર પરિણામને નહીં, પરંતુ ખેલાડીઓની મહેનત અને પડકારોનો સામનો કરવાની ક્ષમતાને પણ મહત્વ આપે છે.