ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યા અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમમાં ભૂમિકા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે હાર્દિક હાલમાં વનડેમાં સંપૂર્ણ 10 ઓવર બોલિંગ કરવા માટે તૈયાર નથી, તેથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમની વાપસીમાં ઉતાવળ કરવામાં આવશે નહીં.
અફઘાનિસ્તાન સામેની ત્રણેય ટી-20 મેચમાં પ્લેઇંગ-11માંથી બહાર રહેલા વૈભવ અંગે ગંભીરે કહ્યું કે જ્યારે તેને તક મળશે, ત્યારે ટીમ તેને સતત અવસર આપશે. ભારતે ગુરુવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને 127 રને હરાવીને સીરીઝ 3-0થી જીતી હતી.
હાર્દિક ફિટ થશે તો નીતિશ સાથે રમી શકે છે. ગંભીરે કહ્યું, ‘હાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર બોલિંગ કરી શકતો નથી. અમે તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત લાવવામાં ઉતાવળ કરવા માંગતા નથી. જ્યારે તે ફિટ થશે, ત્યારે હાર્દિક અને નીતિશ બંનેના રમવાની શક્યતા છે.’ હાર્દિક સંપૂર્ણપણે ફિટ થાય ત્યારે ભારત પાસે ઝડપી બોલિંગ કરી શકતા બે ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. તેનાથી ટીમને બેટિંગમાં વધારાની મુજબુતાઈ સાથે બોલિંગમાં પણ એક વધારાનો વિકલ્પ મળી શકે છે.
હાર્દિકને પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા-એ સામેની વનડે સીરીઝ માટે ઇન્ડિયા-એની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, આ સીરીઝમાં તેનું રમવું બીસીસીઆઈના સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી મળનારા અંતિમ ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર છે.
વૈભવ સૂર્યવંશીને અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં એક પણ મેચ રમવાની તક મળી નહીં. તેના કારણે ઘરઆંગણે તેનો ઈન્ટરનેશનલ ડેબ્યૂ પણ ટળી ગયો. વૈભવે થોડા મહિના પહેલાં ઇંગ્લેન્ડ સામે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેમણે ત્રણ મેચમાં 42 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની સીરીઝમાં 151 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. આ દરમિયાન તેમની સરેરાશ 50.33 અને સ્ટ્રાઈક રેટ 196.10 રહ્યો હતો.
સારા ફોર્મમાં હોવા છતાં તેમને અફઘાનિસ્તાન સામે ઓપનિંગ કરવાની તક મળી નહોતી. ટીમ મેનેજમેન્ટે 2026 ટી-20 વર્લ્ડ કપમાં ખિતાબ જીતનારી અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડીને જાળવી રાખી હતી. બંનેએ ત્રણ મેચમાં મળીને 346 રન બનાવ્યા હતા.
વૈભવને પ્લેઇંગ-11માંથી બહાર રાખવાના નિર્ણય પર ગંભીરે કહ્યું, ‘વૈભવ સાથેની વાતચીત એકદમ સ્પષ્ટ હતી કે તેણે પોતાની તકની રાહ જોવી પડશે. અમને ખબર છે કે તેનામાં કેવા પ્રકારનું ટેલેન્ટ છે અને તે શું કરી શકે છે. પરંતુ જે ખેલાડી બે વર્ષથી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, તે હમણાં જ ટીમમાં આવેલા ખેલાડી કરતાં આગળ રહેશે.’ ગંભીરે કહ્યું કે વૈભવને તક મળતાં ટીમ તેના પર વિશ્વાસ કરશે. તેમણે કહ્યું કે ટીમમાં ખેલાડીની ઉંમર 15 વર્ષ હોય કે 30 વર્ષ, જો તેણે તકની રાહ જોવાની હોય તો રાહ જોવી જ પડશે.
સંજુ સેમસનને ફરીથી તક આપવાના નિર્ણય પર ગંભીરે કહ્યું કે વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલો ખેલાડી અચાનક ખરાબ થઈ જતો નથી. તેમણે સ્વીકાર્યું કે ઇંગ્લેન્ડ સીરીઝમાંથી સંજુને બહાર રાખવો તેમના કોચિંગ કાર્યકાળનો કદાચ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. ગંભીરે કહ્યું કે આ સીરીઝમાં તે વર્લ્ડ કપમાં રમેલી ઓપનિંગ જોડી સાથે આગળ વધવા માગતો હતો. તેમના મતે, 3-4 મેચમાં નિષ્ફળ થવાથી કોઈ ખેલાડી ખરાબ થઈ જતો નથી.
અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20માં અભિષેક શર્માએ 34 બોલમાં 108 રનની ઇનિંગ્સ રમી. તેમણે 30 બોલમાં સદી પૂરી કરી, જે તમામ ફુલ મેમ્બર ટીમો વચ્ચેની સૌથી ઝડપી ટી-20 ઈન્ટરનેશનલ સદી છે. તેમણે ન્યૂઝીલેન્ડના ફિન એલનનો 33 બોલનો રેકોર્ડ તોડી નાખ્યો. અભિષેકે ત્રણ મેચની સીરીઝમાં 229 રન બનાવ્યા અને તેમનો સ્ટ્રાઇક રેટ 269.41 રહ્યો.
અભિષેકે જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે મળેલી ટી-20 સીરીઝની હારનો ઉલ્લેખ કરતાં કહ્યું, “એક-બે ખરાબ સીરીઝ અમને બેટિંગ વિભાગ તરીકે નક્કી કરી શકતા નથી. અમે ટી-20 વર્લ્ડ કપ પહેલાં આખા વર્ષ દરમિયાન સામેની ટીમ કોઈ પણ હોય, પ્રભુત્વ જાળવી રાખવા માંગીએ છીએ.” તેમણે કહ્યું કે બેટ્સમેન તરીકે ઉતાર-ચઢાવ આવતા રહે છે, પરંતુ ટીમ તરીકે એકબીજાનો સાથ આપવો જરૂરી છે. અભિષેકે પોતાની બેટિંગ વિશે કહ્યું કે તેઓ કોઈ પણ ક્ષેત્રને મર્યાદિત કરવા માંગતા નથી અને બોલ જોઈને શોટ રમવામાં વિશ્વાસ રાખે છે.