ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર પદેથી અજિત અગરકરના રાજીનામા બાદ, હેડ કોચ ગૌતમ ગંભીરે ભાવુક સંદેશ શેર કર્યો છે. ગંભીરે અગરકર સાથે કામ કરવાને સન્માન ગણાવ્યું અને તેમના કાર્યકાળમાં જીતેલી 3 ICC ટ્રોફીને 'ટીમ ફર્સ્ટ' વિચારસરણીનું પરિણામ કહ્યું. ગંભીરે જણાવ્યું કે, ઇતિહાસ અગરકર પ્રત્યે વધુ દયાળુ રહેશે કારણ કે તેમણે લોકપ્રિય નહીં, પણ ટીમ હિતના નિર્ણયો લીધા હતા.
ગૌતમ ગંભીરે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "પ્રિય અજિત ભાઈ, તમારી સાથે કામ કરવું મારા માટે અત્યંત સન્માનની વાત રહી છે. તે ૩ આઈસીસી ટ્રોફીઓ તમારા એ વિશ્વાસની સાક્ષી પૂરે છે, જેમાં ટીમને હંમેશા વ્યક્તિગત સ્વાર્થથી ઉપર અને આગળ રાખવામાં આવી હતી. મારે ચોક્કસપણે કહેવું પડશે કે 'ઇતિહાસ તમારા પ્રત્યે વધુ દયાળુ રહેશે'. દરેક વસ્તુ માટે તમારો આભાર અને ભવિષ્યની સફર માટે મારી દિલથી શુભેચ્છાઓ."
અગરકરના કાર્યકાળ દરમિયાન ટીમના ખેલાડીઓની પસંદગી અને કેટલાક સીનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા અંગે અવારનવાર વિવાદો અને સવાલો ઊભા થયા હતા. ગંભીરનો આ ઈશારો એ તરફ હતો કે સમય વિતવાની સાથે અગરકરના નિર્ણયોને પરિણામોના આરીસામાં જોવામાં આવશે અને ત્યારે તેમની ટીકા કરનારાઓને પણ તેમના નિર્ણયોની સાચી કિંમત સમજાશે.
ગૌતમ ગંભીરે અગરકરને માત્ર આભાર માનીને અલવિદા નથી કહ્યું, પરંતુ પસંદગીકાર તરીકે તેમના આકરા નિર્ણયો પર મંજૂરીની મોહર પણ મારી છે. ગંભીરે લખ્યું કે, અગરકરનું લક્ષ્ય ક્યારેય ચાહકોમાં લોકપ્રિય નિર્ણયો લેવાનું નહોતું, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે યોગ્ય નિર્ણયો લેવાનું હતું. અગરકર અને ગંભીરની જોડીએ ભારતીય ક્રિકેટમાં આક્રમકતા અને સ્પષ્ટતા સાથે નિર્ણયો લેવાનો એક નવો યુગ શરૂ કર્યો હતો. હવે અગરકરની વિદાય સાથે આ સફળ જોડીનો એક મહત્ત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે.