ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે 2027માં દક્ષિણ આફ્રિકામાં રમાનારા વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અંગે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, કેપ્ટન શુભમન ગિલ નસીબદાર છે કે તેને વનડે ફોર્મેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓનો સાથ મળી રહ્યો છે.
ટેસ્ટ અને ટી20માંથી રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ગિલે સિનિયર ખેલાડીઓ વગર કેપ્ટનશિપ શરૂ કરી હતી. પરંતુ વનડેમાં રોહિત અને વિરાટની હાજરી ગિલ માટે મોટો ફાયદો છે. ગંભીરે ગિલની પ્રશંસા કરતાં કહ્યું કે, ઓછી ઉંમરે પણ તેણે શાંતિ જાળવી છે, ટીમ માટે નિઃસ્વાર્થ રમે છે અને કડક નિર્ણયો લેવામાં પણ અચકાતો નથી.
2027 વર્લ્ડ કપ માટે ગંભીરે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને ટીમના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા છે. તેમનું માનવું છે કે, હાર્દિક જેવો ઓલરાઉન્ડર મળવો મુશ્કેલ છે, જે 10 ઓવર બોલિંગ કરી શકે અને નંબર 6 કે 7 પર આવીને તોફાની બેટિંગથી મેચનું પાસું પલટી શકે.
હેડ કોચે સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કોઈ ખેલાડી અડધી તૈયારી સાથે મેદાનમાં ઉતરી શકે નહીં. પંડ્યા અને બુમરાહને પૂરતો ગેમ-ટાઈમ મળે તે જરૂરી છે. વર્કલોડ મેનેજમેન્ટ હોવા છતાં ખેલાડીઓ લય જાળવે તે માટે પૂરતી મેચો રમવા પર ભાર મૂકાયો છે. વર્લ્ડ કપમાં ભૂલ માટે સ્થાન નથી, તેથી અત્યારથી જ યોગ્ય રણનીતિ સાથે કામ શરૂ કરાયું છે.