સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રદૂષણ માટે 40% જવાબદારી સ્વીકારી ગડકરીએ કહ્યું: વાહનો વધ્યા, પ્રદૂષણ વધ્યું

પ્રદૂષણ માટે 40% જવાબદારી સ્વીકારી ગડકરીએ કહ્યું: વાહનો વધ્યા, પ્રદૂષણ વધ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં વધતા વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશના લગભગ 40 ટકા પ્રદૂષણ માટે તેમણે પોતાને જવાબદાર ગણાવ્યા છે. રસ્તાઓના વિકાસ સાથે વાહનોની સંખ્યા અને તેમના ઉપયોગમાં વધારો થયો છે, જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થયો છે.

દિલ્હીમાં યોજાયેલી સીઆઈઆઈ બાયોએનર્જી સમિટમાં ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે સ્વચ્છ ઈંધણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ તેમના કાર્યકાળ દરમિયાન 14 લાખ કરોડ રૂપિયાથી વધીને 22 લાખ કરોડ રૂપિયાનો થયો છે. ભારત આ ક્ષેત્રમાં વિશ્વમાં સાતમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચ્યું છે.

ગડકરીએ ગોબરધન યોજના હેઠળ આશરે 3,000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પરાળી બાળવાને બદલે તેમાંથી બાયોએનર્જી બનાવવાથી ખેડૂતોને આવક મળશે અને દિલ્હી સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડી શકાશે.

ગડકરીએ ઈથેનોલ, હાઈડ્રોજન, બાયોફ્યુઅલ અને આઈસોબ્યુટેનોલને ભવિષ્યના મહત્વપૂર્ણ ઈંધણ ગણાવ્યા. ઈથેનોલમાંથી વિમાનો માટે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ બનાવી શકાય છે. ઈથેનોલ અને આઈસોબ્યુટેનોલથી જનરેટર, ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો ચલાવવાની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરીને યુરિયા અને ડાઈમેથાઈલ ઈથર (ડીએમઈ) બનાવવાની શક્યતાઓ પણ તપાસાઈ રહી છે.

ગડકરીએ ડીએમઈને એલપીજીના વિકલ્પ તરીકે વિકસાવવાની વાત કરી હતી. એલપીજીમાં 40 ટકા ડીએમઈ ભેળવવાથી આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે. સરકારની ઊર્જા નીતિનો મુખ્ય હેતુ વિદેશી ઈંધણની આયાત ઘટાડવાનો, ઊર્જા સસ્તી બનાવવાનો અને પ્રદૂષણ નિયંત્રિત કરવાનો છે. એના માટે ઈથેનોલ, મેથેનોલ, બાયોડીઝલ, એલએનજી અને હાઈડ્રોજનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.