ઇઝરાયલમાં રાજકીય સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે પૂર્વ સેનાપ્રમુખ અને વિપક્ષી નેતા ગાદી આઇઝેનકોટને આગામી સરકાર રચવા માટે પસંદ કર્યા છે. આનો અર્થ એ છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ છે.
આઇઝેનકોટને સરકાર બનાવવા માટે છ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે અન્ય પાર્ટીઓ સાથે વાતચીત કરીને ગઠબંધન બનાવવું પડશે અને સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે. સરકાર બનાવવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. ગાદી આઇઝેનકોટના ગઠબંધનને છ પાર્ટીઓના 67 સાંસદોએ સમર્થન આપ્યું છે, જે બહુમતી કરતાં છ વધુ છે.
વડાપ્રધાન નેતન્યાહૂ પાસે માત્ર 46 સાંસદોનું સમર્થન છે, જે બહુમતીના આંકડાથી ઘણું દૂર છે. આ કારણસર રાષ્ટ્રપતિએ તેમને સરકાર બનાવવાની પ્રથમ તક આપી નથી.
આઇઝેનકોટને છ પાર્ટીઓના 67 સાંસદોનું સમર્થન મળ્યું છે. તેમાં ચાર યહૂદી પાર્ટીઓ અને બે અરબ પાર્ટીઓ સામેલ છે. ચાર યહૂદી પાર્ટીઓ પાસે કુલ 48 બેઠકો છે, જ્યારે બે અરબ પાર્ટીઓ પાસે 19 બેઠકો છે.
જોકે, સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ છ પાર્ટીઓમાંથી ત્રણ યહૂદી પાર્ટીઓ અરબ પાર્ટીઓ સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. આઇઝેનકોટએ પણ ચૂંટણી પહેલાં અરબ પાર્ટીઓને સરકારમાં સામેલ કરવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, અરબ પાર્ટીઓનું કહેવું છે કે તેઓ નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા માટે આઇઝેનકોટનું સમર્થન કરી રહી છે.
જોઇન્ટ લિસ્ટ એ ઇઝરાયલની અરબ વસ્તીના અધિકારોની વાત કરતું રાજકીય ગઠબંધન છે. તેમાં ત્રણ અલગ-અલગ પક્ષો સામેલ છે. ગઠબંધનમાં અરબ નેતાઓ સાથે યહૂદી નેતાઓ પણ છે.
હદાશ એ ડાબેરી પક્ષ છે. તે અરબ અને યહૂદી નાગરિકોની સમાનતા, મજૂરોના અધિકારો અને પેલેસ્ટાઇન સાથે શાંતિની હિમાયત કરે છે. તાલ એ અહમદ તિબીનો પક્ષ છે. તે અરબ નાગરિકોના સમાન અધિકારો, શિક્ષણ અને રોજગારની વધુ સારી તકો તથા પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાને સમર્થન આપે છે. બાલદ એ અરબ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. તે ઇઝરાયલને એવો દેશ બનાવવાની હિમાયત કરે છે, જ્યાં તમામ નાગરિકોને સમાન અધિકારો મળે.
રાષ્ટ્રપતિની બેઠકમાં આઇઝેનકોટના સમર્થનમાં યિસ્રાઇલ બેતેનું (અવિગદોર લિબરમેનની પાર્ટી, 7 બેઠકો), રાઅમ (મન્સૂર અબ્બાસની અરબ પાર્ટી, 8 સાંસદો), જોઇન્ટ લિસ્ટ (11 સાંસદો), યાશર અને ડેમોક્રેટ્સ તથા નફ્તાલી બેનેટની બિયાચાદ પાર્ટીએ તેમનું નામ સૂચવ્યું છે.
નેતન્યાહૂના સમર્થનમાં લિકુડ (બેન્જામિન નેતન્યાહૂની પોતાની પાર્ટી), શાસ (આર્યે ડેરી), રિલિજિયસ ઝાયોનિઝમ (બેઝાલેલ સ્મોટ્રિચ), ઓત્ઝમા યેહુદિત (ઇતામાર બેન ગ્વિર) અને યુનાઇટેડ તોરાહ જ્યુડિઝમનો સમાવેશ થાય છે.
યુનાઇટેડ તોરાહ જ્યુડિઝમ (UTJ)એ કોઈપણ નેતાના નામની ભલામણ કરી નથી. તેની પાસે 7 બેઠકો છે. આ પાર્ટી લાંબા સમયથી નેતન્યાહૂની સહયોગી રહી છે, પરંતુ આ વખતે તેણે તેમનાથી અંતર બનાવી લીધું છે.
27 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટી 27 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે, તેની સાથે ગઠબંધનમાં સામેલ ધાર્મિક અને રાષ્ટ્રવાદી પાર્ટીઓને મળીને કુલ 53 બેઠકો જ મળી હતી. દરમિયાન, આઇઝેનકોટના ગઠબંધનમાં સામેલ ચાર પક્ષોએ 48 બેઠકો જીતી. આ ગઠબંધન કેન્દ્રથી લઈને ડાબેરી અને જમણેરી પક્ષોને જોડીને બનાવવામાં આવ્યું છે. ચૂંટણીમાં અરબ પક્ષોને રેકોર્ડ 19 બેઠકો મળી.