સત્ય. સાહસ. સંકલ્પ.

G7 દેશોએ ટ્રમ્પના દબાણમાં 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ બજારમાં છોડવાનો નિર્ણય લીધો

G7 દેશોએ ટ્રમ્પના દબાણમાં 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ બજારમાં છોડવાનો નિર્ણય લીધો

વિશ્વના અગ્રણી દેશોના સમૂહ G7 એ વૈશ્વિક બજારમાં બળતણના વધતા ભાવને કાબૂમાં લેવા અને પુરવઠો જાળવવા એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. G7 દેશોએ પોતાના કટોકટીના અનામત ભંડોળમાંથી આશરે 10 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ અને ડીઝલ બજારમાં છોડવા સંમતિ આપી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાની નિકાસ પર કોઈ પ્રતિબંધ ન લાદવાની ખાતરી પણ આપી છે.

આ નિર્ણય પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારે દબાણ કામ કરી ગયું હોવાનું કહેવાય છે. આગામી નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પહેલાં અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં લાવવા ટ્રમ્પ પ્રશાસન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયનને ચેતવણી આપી હતી કે જો યુરોપ તેના કટોકટી ડીઝલ ભંડારમાંથી પુરવઠો ખુલ્લો નહીં કરે તો અમેરિકા યુરોપ તરફની ડીઝલ નિકાસ પર સંપૂર્ણ બ્રેક લગાવી દેશે. યુરોપ અમેરિકી ડીઝલ પર વધુ નિર્ભર હોવાથી તેની સામે આર્થિક સંકટનો ભય હતો, જેથી G7 દેશોએ નમતું જોખવું પડ્યું.

ઉલ્લેખનીય છે કે ઈરાન સાથેના સંઘર્ષ અને યુદ્ધ જેવી સ્થિતિ બાદ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)ની આગેવાની હેઠળ માર્ચ મહિનામાં 40 કરોડ બેરલ તેલ બહાર પાડવાની ઐતિહાસિક સમજૂતી થઈ હતી. IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલના જણાવ્યા મુજબ, અગાઉની સમજૂતીનો બે-તૃતીયાંશ હિસ્સો રજૂ થઈ ચૂક્યો છે. આ નવો 10 કરોડ બેરલનો જથ્થો IEAના તાલમેલથી બજારમાં મૂકાશે, જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી ઘટાડો થાય.

G7ના સંયુક્ત નિવેદન બાદ વૈશ્વિક ઇંધણ બજારને મોટી રાહત મળવાની આશા છે. જોકે, આ 10 કરોડ બેરલમાંથી કેટલો જથ્થો માર્ચ સમજૂતીનો બાકી રહેલો ભાગ છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. તેમ છતાં અમેરિકા અને યુરોપ વચ્ચે તેલ પુરવઠા બાબતે સર્જાયેલી ખેંચતાણ હાલ પૂરતી શમી છે અને વૈશ્વિક સ્તરે ભાવ સ્થિર થવાની શક્યતાઓ વધી છે.