નવી દિલ્હી: દેશભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ રાજસ્થાનમાં CG ફૂડ્સ ઈન્ડિયાની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ ફેક્ટરી 'Wai Wai' નૂડલ્સ બનાવવા માટે જાણીતી છે.
અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફેક્ટરીના ફ્લોર પર પડેલા તૂટેલા નૂડલ્સને કોઈ પણ હીટ ટ્રીટમેન્ટ આપ્યા વગર એકત્રિત કરીને ભુજિયા બનાવવામાં આવતા હતા. આ કામમાં કોઈ સ્વચ્છતા કે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.
FSSAI ટીમે તપાસમાં 32,000 કિલો સ્ટોક જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ફેક્ટરીમાંથી એક્સપાયર થઈ ગયેલી પ્રોડક્ટ્સના 1,925 બોક્સ પણ મળી આવ્યા છે. અધિકારીઓએ નમૂનાઓ લઈને પ્રયોગશાળામાં તપાસ માટે મોકલ્યા છે.
આ કંપની નેપાળના અબજોપતિ બિનોદ ચૌધરીના CG કોર્પ ગ્લોબલ ગ્રૂપનો હિસ્સો છે. બિનોદ ચૌધરીને તેમના Wai Wai નૂડલ્સ બ્રાન્ડ માટે 'નૂડલ કિંગ' તરીકે ઓળખવામાં આવે છે. FSSAIએ આ કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના એવા સમયે બહાર આવી છે જ્યારે દેશભરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે કડક કાર્યવાહી ચાલી રહી છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં પણ એક ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટ બદલવાનું કૌભાંડ પકડાયું હતું. આ ગોડાઉનમાંથી પેપ્સિકો, નેસ્લે, કોકા-કોલા જેવી મોટી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ મળી આવી હતી. ત્યાં જૂની તારીખો ભૂંસવા કેમિકલ અને નવી તારીખો છાપવાનાં મશીનો પણ મળી આવ્યાં હતાં.