સત્ય. સાહસ. સંકલ્પ.

દૂધ, દહીં અને પનીરના પેકેટ પર ફરજિયાત નવો લોગો, 1 જુલાઈ 2028થી લાગુ

દૂધ, દહીં અને પનીરના પેકેટ પર ફરજિયાત નવો લોગો, 1 જુલાઈ 2028થી લાગુ

બજારમાં મળતા દૂધ, દહીં, પનીર, ઘી અને માખણ જેવા ડેરી ઉત્પાદનોના પેકેટ પર હવે એક સમાન ઓળખ ચિહ્ન દેખાશે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ દૂધ અને તેમાંથી બનતા ઉત્પાદનો માટે આ લોગો ફરજિયાત કર્યો છે.

નવો લોગો વાદળી ચોરસની પૃષ્ઠભૂમિમાં સફેદ ટીપાના આકારમાં હશે. ખરીદી કરતી વખતે ગ્રાહકો દૂરથી જ અસલી ડેરી ઉત્પાદનો ઓળખી શકે અને વિવિધ બ્રાન્ડના પેકેટ પર એકસરખું લેબલિંગ જોવા મળે, એ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.

FSSAIએ આ નિયમ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) સેકન્ડ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2026' હેઠળ લાવ્યો છે, જે 9 નવેમ્બરે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયો છે. આ સુધારા દ્વારા 2020ના લેબલિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નોટિફિકેશન જાહેર થઈ ગયું હોવા છતાં કંપનીઓ અને ઉત્પાદકોને પોતાનું પેકેજિંગ બદલવા માટે 1 જુલાઈ 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ દૂધ, દૂધમાંથી બનતા ઉત્પાદનો અને કમ્પોઝિટ મિલ્ક પ્રોડક્ટ્સના પેકેટ પર આ પ્રમાણિત લોગો છાપવો ફરજિયાત રહેશે.

FSSAIએ પેકેટના આગળના ભાગ (મુખ્ય ડિસ્પ્લે પેનલ)ના ક્ષેત્રફળ પ્રમાણે લોગોનું લઘુત્તમ માપ પણ નક્કી કર્યું છે. 100 ચોરસ સેન્ટીમીટર સુધીની પેનલ ધરાવતા નાના પેકેટ પર 6 મિલીમીટર, 100થી 500 ચોરસ સેન્ટીમીટર સુધીના પેકેટ પર 8 મિલીમીટર, 500થી 2,500 ચોરસ સેન્ટીમીટર સુધીના પેકેટ પર 12 મિલીમીટર અને 2,500 ચોરસ સેન્ટીમીટરથી મોટા પેકેટ પર 16 મિલીમીટરનો લોગો હોવો જરૂરી છે.

લોગોમાંના સફેદ ટીપાનું માપ પણ નક્કી કરાયું છે. 6 મિલીમીટરના લોગોમાં ટીપાની ઊંચાઈ 4.56 મિલીમીટર અને પહોળાઈ 3 મિલીમીટર રાખવાની હશે. તે જ રીતે 8 મિલીમીટર માટે 6.08 x 4 મિલીમીટર, 12 મિલીમીટર માટે 9.12 x 6 મિલીમીટર અને 16 મિલીમીટર માટે 12.16 x 8 મિલીમીટર માપ નક્કી કરાયું છે.

આ નિયમ ફેબ્રુઆરી 2025માં જારી કરાયેલા ડ્રાફ્ટ પ્રસ્તાવ પછી આવ્યો છે. તે સમયે નિયામકે લેબલિંગના નિયમોમાં સૂચવાયેલા ફેરફારો અંગે ડેરી કંપનીઓ, હિતધારકો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો તથા વાંધા માંગ્યા હતા. મળેલા સૂચનોની સમીક્ષા બાદ હવે અંતિમ નિયમો અધિસૂચિત કરાયા છે.

હવે તમામ ડેરી કંપનીઓએ 1 જુલાઈ 2028 પહેલાં પોતાનું પેકેજિંગ અપડેટ કરીને નિર્ધારિત માપદંડ મુજબનો વાદળી-સફેદ લોગો પેકેટ પર મૂકવો પડશે.