અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફ્રોઝન ફૂડનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. હોટેલ અને રેસ્ટોરાંમાં પીરસવામાં આવતા ૬૦થી ૬૫ ટકા સ્ટાર્ટર્સ અગાઉથી થીજવેલા (ફ્રોઝન) હોય છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં અમદાવાદમાં આવા ખોરાકની માંગ ત્રણ ગણી વધી છે, અને રાજ્યમાં તેનું બજાર રૂ. ૨,૫૦૦ કરોડથી વધુ થયું છે. જોકે, યોગ્ય કોલ્ડ ચેઇન ન જાળવવા અને ફૂડ વિભાગની ચકાસણીના અભાવે આરોગ્યને જોખમ ઊભું થયું છે.
ફ્રોઝન વાનગીઓને શરૂઆતમાં રાંધીને માઇનસ ૧૮થી ૨૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે, જેના કારણે તે દોઢ વર્ષ સુધી બગડતી નથી. પરિણામે, હોટેલોમાં ગ્રાહકોને એક વર્ષ જૂનો ખોરાક પીરસવામાં આવે છે. અમદાવાદમાં પાંચ વર્ષ પહેલાં એક કંપની ૨૦૦ દુકાનોમાં સપ્લાય કરતી હતી, જે હવે વધીને ૪૫૦થી ૫૦૦ દુકાનો સુધી પહોંચી ગઈ છે. વધુમાં, શહેરમાં ક્વિક કોમર્સ દ્વારા દર મહિને બે લાખથી વધુ પેકેટનું વેચાણ થાય છે. ગુજરાતમાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં પણ મોટા પ્રમાણમાં ફ્રોઝન ખોરાકની નિકાસ થાય છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, ફ્રોઝન વાનગીઓને વારંવાર ઓગાળવાથી અને ફરી થીજવવાથી સેલ્મોનેલા અને લિસ્ટેરિયા જેવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. તેમાં રહેલા ટ્રાન્સફેટ (હાનિકારક ચરબી)ને કારણે કોલેસ્ટ્રોલ, ફેટી લિવર અને હૃદયરોગ થઈ શકે છે. અમેરિકામાં ટ્રાન્સફેટ પર પ્રતિબંધ છે, જ્યારે ભારતમાં બે ટકા સુધીની છૂટ છે.
નિષ્ણાતો કહે છે કે બાળકો માટે ફ્રોઝન ખોરાક હાનિકારક છે. તેમાં રહેલા સોડિયમના પ્રમાણને કારણે બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ૨૫૦ ગ્રામના ફ્રોઝન પેકેટમાં ૧.૫ ગ્રામ સોડિયમ હોય છે, જ્યારે બાળકને આખા દિવસમાં આટલા જ મીઠાની જરૂર હોય છે. રાજ્ય સરકાર અથવા મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં 'ફ્રોઝન ફૂડ'નો ઉલ્લેખ પણ નથી, અને તેની તપાસ કરવામાં આવતી નથી.