પેરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારત માટે મિશ્ર પરિણામો આવ્યાં છે. પુરુષ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને રાઉન્ડ ઑફ 32માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે મહિલા સિંગલ્સમાં અસ્મિતા ચાલિહા અને તન્વી શર્માએ પોતાની મેચ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
મંગળવારે મેન્સ ડબલ્સના રાઉન્ડ ઑફ 32માં સાત્વિક-ચિરાગની જોડીનો સામનો ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ અને તોમા જુનિયર પોપોવ સાથે થયો હતો. યજમાન ખેલાડીઓએ ભારતીય જોડીને 19-21, 21-18, 13-21ના સ્કોર સાથે હરાવી હતી. આ મુકાબલો એક કલાકથી થોડો વધુ સમય ચાલ્યો હતો. સાત્વિક અને ચિરાગે બીજી ગેમ જીતીને વાપસી કરી હતી, પરંતુ નિર્ણાયક ત્રીજી ગેમમાં તેઓ 13-21થી હારી ગયા હતા.
આ પહેલાં મહિલા ડબલ્સમાં ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીને રાઉન્ડ ઑફ 32માં હારનો સામનો કરવો પડ્યો હતો. ચાઈનીઝ તાઈપેઈની લિન ચિહ-ચુન અને યાંગ ચૂ યુએ ભારતીય જોડીને 21-17, 21-18થી હરાવી હતી.
મહિલા સિંગલ્સમાં અસ્મિતા ચાલિહાએ ચીનની હાંગ કિયાન શીને 21-18, 24-22થી હરાવીને આગલા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ મુકાબલો 39 મિનિટમાં પૂરો થયો હતો. બીજી તરફ તન્વી શર્માએ ભારતીય ખેલાડી ઈશારાની બરુઆને 21-12, 21-12થી હરાવીને રાઉન્ડ ઑફ 16માં પ્રવેશ કર્યો હતો. આ મેચ 32 મિનિટમાં પૂરી થઈ હતી.