સત્ય. સાહસ. સંકલ્પ.

બાળકોના મોબાઈલ વ્યસન સામે નવો ઉપાય: 'ફ્રેકલ' ડમ્બ ફોન, જાણો શું છે ખાસ

બાળકોના મોબાઈલ વ્યસન સામે નવો ઉપાય: 'ફ્રેકલ' ડમ્બ ફોન, જાણો શું છે ખાસ

આજના યુગમાં બાળકો રમકડાં પહેલાં મોબાઈલ પકડતા શીખી જાય છે. સતત સ્ક્રીન સામે જોયા કરવાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ ચિંતાને દૂર કરવા માટે અમેરિકાના એક સ્ટાર્ટ-અપે 7 થી 13 વર્ષના બાળકો માટે 'ફ્રેકલ' નામનો ખાસ 'ડમ્બ ફોન' બનાવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ બ્રાઉઝર નથી.

ફ્રેકલ ફોન બાળકોના નાના હાથમાં ફિટ બેસે તે રીતે ડિઝાઇન કરાયો છે અને તે પડી જાય તો પણ તૂટે નહીં તેવો મજબૂત છે. તેમાં ઇન્ટરનેટ કે ગેમ્સ ન હોવા છતાં બાળકોને ઘરની બહાર નીકળવા પ્રેરતી કેટલીક ખાસ સુવિધાઓ છે.

ક્વેસ્ટ એપ: આ એપ બાળકોને 'સ્કેવેન્જર હન્ટ' (વસ્તુઓ શોધવાની રમત) અને કુદરતી વાતાવરણનું અવલોકન કરવા જેવા મિશન આપે છે. માતા-પિતા પણ બાળકો માટે આવા ટાસ્ક સેટ કરી શકે છે.

ડિસ્કવરી કેમેરા: ફોનનો કેમેરો ફોટા પાડવા ઉપરાંત ઓળખકર્તા તરીકે કામ કરે છે. જ્યારે બાળક કોઈ પક્ષી, જીવજંતુ કે પાંદડા પર કેમેરો ફોકસ કરે છે, ત્યારે તે તેને ઓળખીને નામ જણાવે છે. આ ફોટો બાળકના ડિજિટલ કલેક્શનમાં સેવ થાય છે, જેથી જ્ઞાન વધે છે.

AI ચેટબોટ 'Why Chat': બાળકોના 'આ કેવી રીતે કામ કરે છે?' જેવા સવાલોના જવાબ આપવા માટે 'Why Chat' નામનો AI ચેટબોટ છે. અઘરા કે અયોગ્ય પ્રશ્નો માતા-પિતા તરફ વાળી દેવામાં આવે છે. વાલીઓ ઈચ્છે તો સેટિંગ્સમાંથી આ ચેટબોટ બંધ પણ કરી શકે છે.

ઓન-સ્ક્રીન કેરેક્ટર અને આર્ટિફેક્ટ્સ: સ્ક્રીન પર બેકપેક પહેરેલું નાનું એનિમેટેડ કેરેક્ટર જોવા મળે છે. બાળક બહાર ફરીને ફોટા પાડે, નવી જગ્યાઓ જુએ કે બેજ જીતે, તે બધું આ કેરેક્ટરના બેકપેકમાં 'આર્ટિફેક્ટ્સ' તરીકે જમા થાય છે. માતા-પિતા પોતાની એપમાં જોઈ શકે છે કે બાળકે આજે શું નવું શોધ્યું.

પેરેન્ટ-એપ્રૂવ્ડ કોન્ટેક્ટ્સ: ફોનમાં અજાણ્યા લોકોના ફોન કે મેસેજ આવી શકતા નથી. બાળકો ફક્ત તે જ લોકોને કોલ કે ટેક્સ્ટ કરી શકે છે જેમના નંબર માતા-પિતાએ અગાઉથી મંજૂર કર્યા હોય.

ટેપ-ટુ-પેર વોકી-ટોકી: બે બાળકો તેમના ફ્રેકલ ફોનને એકબીજા સાથે અડાડે એટલે તે આપમેળે કનેક્ટ થઈને વોકી-ટોકીની જેમ કામ કરે છે.

ટેપ-ટુ-પે (Freckle Pay): અગાઉથી લોડ કરેલા ક્રેડિટ દ્વારા ચૂકવણી કરી શકાય છે, જેથી બાળક પડોશની દુકાનેથી નાસ્તો લઈ શકે કે બસની મુસાફરી કરી શકે.

આ ફોન $199 (અંદાજે ₹16,500)ની કિંમતે ડિસેમ્બરમાં અમેરિકામાં લોન્ચ થશે. તેનો ઉદ્દેશ્ય બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડીને તેમને મેદાનમાં રમતા કરવાનો છે.