સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સમાં શિક્ષણ સુધારા અને મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શન, 166 ધરપકડ

ફ્રાન્સમાં શિક્ષણ સુધારા અને મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શન, 166 ધરપકડ

ફ્રાન્સમાં શિક્ષણ સુધારા અને મોંઘવારી વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. પેરિસ, માર્સેલી, લિયોન, ટુલૌસ સહિત દેશના 140 સ્થળોએ 30,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પોલીસે ટીયરગેસ અને વોટર કેનનો ઉપયોગ કરીને દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધીમાં 166 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પેરિસમાં દેખાવકારોએ માસ્ક પહેરીને વાહનો અને જાહેર મિલકતોને આગ ચાંપીને નુકસાન પહોંચાડ્યું હતું. એક ન્યૂઝપેપર કિઓસ્ક અને કારને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઉત્તરપૂર્વ પેરિસમાં અને ગલીઓમાં મોટાપાયે રાયટ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. મોટાભાગના શાંતિપૂર્ણ દેખાવકારો પેરિસના ઉત્તરપશ્ચિમે થયેલી કૂચમાં જોડાયા હતા.

લિયોનમાં ટુરિસ્ટ ઓફિસને આગ ચાંપવામાં આવી હતી. માર્સેલીમાં કેટલાક જૂથોએ પોલીસ સ્ટેશન અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક દેખાવકારો સિટી હોલની લોબીમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.

દેશના ગૃહપ્રધાન લોરેન્ટ નોનેઝની ઓફિસે જણાવ્યું હતું કે પેરિસ ઉપરાંત દેશમાં કુલ 140 સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં 30,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પેરિસ, માર્સેલી, રેનિસ, ટુલૌસ અને એન્ગર્સમાં લોકોએ માસ્ક પહેરીને હિંસા આચરી હતી.

આ ચળવળને સોશિયલ મીડિયા પર 'યલો વેસ્ટ મૂવમેન્ટ' નામ આપવામાં આવ્યું છે, જે 2018માં સામાજિક અન્યાય સામેની લડત તરીકે ઓળખાઈ હતી. વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર મધ્યથી સ્કૂલોની ઘેરાબંધી કરીને તેમના સમર્થનમાં જોડાવવા વિનંતી કરી રહ્યા છે. દેશના અગ્રણી શ્રમસંઘ સીજીટીએ પણ આ વિરોધને સમર્થન આપ્યું છે અને ઊંચા વેતન, પેન્શન તથા નીચા ભાવની સાથે જાહેર સેવામાં સંરક્ષણની માંગ કરી છે.

પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.