સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સમાં 700 સુપરમાર્કેટ પર સાયબર હુમલો: ફ્રીઝરનું તાપમાન 50 ડિગ્રી કરીને આગ લગાવાઈ

ફ્રાન્સમાં 700 સુપરમાર્કેટ પર સાયબર હુમલો: ફ્રીઝરનું તાપમાન 50 ડિગ્રી કરીને આગ લગાવાઈ

પેરિસ: ફ્રાન્સમાં એક અસામાન્ય સાયબર હુમલો સામે આવ્યો છે. હેકરોએ ઇન્ટરનેટ સાથે જોડાયેલા રેફ્રિજરેટર અને ફ્રીઝરનું તાપમાન રાત્રે 50 ડિગ્રી સુધી પહોંચાડી દીધું, જેના કારણે લગભગ 350 સુપરમાર્કેટમાં આગ લાગી હતી. આ ઘટનાએ ડિજિટલ સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

ફ્રાન્સના મુખ્ય રિટેલ જૂથ લે મસ્કેટિયર્સના જણાવ્યા અનુસાર, તેની ઇન્ટરમાર્શ બ્રાન્ડના લગભગ 150 સ્ટોર્સમાં રેફ્રિજરેશન યુનિટ્સને રાત્રે સતત છ કલાક સુધી 50 ડિગ્રી પર ગરમ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ રિટેલર કૈરેફોરના 80 સુપરમાર્કેટ અને મોનોપ્રિક્સના પાંચ ટકા સ્ટોર્સ પણ આ હુમલાની ઝપેટમાં આવ્યા હતા. અસરગ્રસ્ત ખાદ્ય પદાર્થોને સ્વાસ્થ્ય જોખમને કારણે કચરામાં ફેંકવા પડ્યા હતા, જેનાથી કંપનીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

ફ્રાન્સની સાયબર સુરક્ષા એજન્સીના રિપોર્ટ મુજબ, હેકરોએ ડેનિશ કંપની ડૈનફોસ દ્વારા લગાવવામાં આવેલા રેફ્રિજરેશન કંટ્રોલરના જૂના અને આઉટડેટેડ સોફ્ટવેરની ખામીઓનો લાભ લીધો હતો અને ઇન્ટરનેટ મારફતે રિમોટલી સિસ્ટમ સુધી પહોંચ બનાવી હતી. સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ એજન્સી સેકોઇયાના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્પેન, પોર્ટુગલ, પોલેન્ડ, જર્મની અને બેલ્જિયમમાં પણ આ પ્રકારના હુમલાનું જોખમ છે. નિષ્ણાતોના મતે, ઇન્ટરનેટ સાથે જોડાયેલી સિસ્ટમ્સને લેટેસ્ટ સોફ્ટવેરથી સુરક્ષિત રાખવાની પાયાની બાબતનું પાલન ન થવાથી આ હુમલો થયો છે.

ફ્રેન્ચ તપાસકારોએ મંગળવારે જણાવ્યું હતું કે, આ ઘટનાથી ખાદ્યાન્નનું કોઈ જોખમ ઊભું થયું નથી, પરંતુ તે બધા માટે 'વેકઅપ કોલ' સમાન છે. આ સાયબર ગુનામાં કોઈ ખંડણી માગવામાં આવી નથી, જેને લીધે તપાસકારો મુંઝવણમાં છે. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સીને તપાસના નિર્દેશ આપ્યા છે.

દરમિયાન, નેધરલેન્ડની સૌથી મોટી સુપરમાર્કેટ ચેન અહોલ્ડ ડેલહાઈઝે તેના નેટવર્કમાં સુરક્ષા સંબંધી સમસ્યાઓના કારણે તેની હોમ ડિલિવરી એપ બંધ કરી દીધી છે. અમેરિકન સૈન્ય બેઝમાં પણ ઓગસ્ટના અંતમાં રેફ્રિજરેશનની સમસ્યાઓ થયાના અહેવાલો છે.