સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સમાં હિંસક પ્રદર્શન: પેરિસમાં 1,500 દુકાનો લૂંટાઈ, 1,000 પોલીસ ઘાયલ

ફ્રાન્સમાં હિંસક પ્રદર્શન: પેરિસમાં 1,500 દુકાનો લૂંટાઈ, 1,000 પોલીસ ઘાયલ

ફ્રાન્સમાં શાળાઓની ખરાબ હાલત અને વધતી મોંઘવારી સામે લોકોનો આક્રોશ ઉભરી આવ્યો છે. શનિવારે પેરિસ સહિત સમગ્ર દેશમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની જતાં ભારે તોડફોડ થઈ હતી. સરકારી આંકડા મુજબ, આશરે 5.5 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,200 તોફાનીઓની ધરપકડ કરી છે.

રાજધાની પેરિસમાં બપોર સુધી આંદોલન શાંતિપૂર્ણ રહ્યું, પરંતુ સાંજ પડતાં સ્થિતિ વિસ્ફોટક બની ગઈ. 'પ્લાસ દ લા રિપબ્લિક' જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનો સળગાવી દીધા અને રસ્તા પર આગ લગાવી દીધી. હિંસક ભીડે કપડાં, ખાણી-પીણી સહિત અંદાજે 1,500 દુકાનોમાં લૂંટફાટ અને તોડફોડ કરી, તથા એક રેસ્ટોરન્ટને આગને હવાલે કરી દીધી. પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયન લેકોર્નુએ જણાવ્યું કે આ હિંસામાં 1,000 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

હિંસા માત્ર પેરિસ પૂરતી સીમિત નહોતી. લિયોનમાં ઉપદ્રવીઓએ ઐતિહાસિક ટુરિઝમ ઓફિસને આગ ચાંપી દીધી, જેને મેયરે શહેર માટે મોટી દુર્ઘટના ગણાવી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અસામાજિક તત્વોએ ફાયર બ્રિગેડના જવાનોને આગ બુઝાવતા અટકાવ્યા હતા. લિમોજમાં ટાઉન હોલમાં ભીષણ આગ લાગી, જેમાં ઐતિહાસિક ઈમારતની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. સેન્ટ-એટિયેનમાં એક યુવક ગ્રેનેડ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો અને તેનો હાથ કપાઈ ગયો. લિલમાં એપલ સ્ટોરમાં ઘૂસીને લૂંટ ચલાવવામાં આવી.

આ આંદોલનની શરૂઆત શાળાઓની કથળતી વ્યવસ્થાથી થઈ. 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે માધ્યમિક શાળાઓ (લિસી)માં પૂરતા શિક્ષકો નથી અને ઈમારતો જર્જરિત હાલતમાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ શાળાઓમાં વધુ રોકાણ અને સારા શિક્ષણની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારપછી ટ્રેડ યુનિયનો અને 2018માં મોંઘવારી સામે મોરચો માંડનારું 'યેલો વેસ્ટ' આંદોલન પણ જોડાઈ ગયું. શિક્ષણ મંત્રીએ 3,000 વધારાના શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હોવા છતાં લોકોનો ગુસ્સો શાંત થયો નથી.

આ હિંસા એવા સમયે ફાટી છે જ્યારે ફ્રાન્સ ગંભીર રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન આવતા વર્ષે પદ છોડવાના છે અને આગામી રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગરમાવો છે. મેક્રોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી ઈમારતો અને દુકાનોમાં તોડફોડ તથા લૂંટ કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાને આરોપ લગાવ્યો છે કે અમુક રાજકીય જૂથો ચૂંટણી પહેલા પોતાના એજન્ડા માટે આ હિંસાનો દુરુપયોગ કરી રહ્યા છે.