સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ લાખો લોકો સડક પર, પેરિસમાં પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ લાખો લોકો સડક પર, પેરિસમાં પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણ માટેના ભંડોળની અછત સામે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં શનિવારે સમગ્ર દેશમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા. સત્તાવાર આંકડાઓ મુજબ, આશરે 4.10 લાખ પ્રદર્શનકારીઓએ વિવિધ શહેરોમાં યોજાયેલા પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.

યુરોન્યૂઝના અહેવાલ મુજબ, શરૂઆતમાં પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં હતાં, પરંતુ શનિવારે મોડી રાત્રે પેરિસમાં ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રમખાણ વિરોધી પોલીસે ભીડ પર ટિયર ગેસના ગોળા છોડ્યા હતા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

ફ્રાન્સ 24ના અહેવાલ મુજબ, લિયોન, લિલ, માર્સેલી, મોન્ટપેલિયર, નાંતે અને ટુલૂઝ સહિત અનેક શહેરોમાં હિંસા અને પોલીસ સાથે ઘર્ષણના બનાવો બન્યા હતા. લિયોનમાં રમખાણ વિરોધી પોલીસ રસ્તા પર ઉતરી હતી, જ્યાં આશરે 150 પ્રદર્શનકારીઓએ મુખ્ય માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં પહેલેથી જ પ્રદર્શન પર પ્રતિબંધ હતો, અને પોલીસે ભીડને વિખેરવા ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો. રોનના અધિકારીઓના જણાવ્યા મુજબ, એકલા લિયોનમાં જ 10 હજાર લોકો રસ્તા પર ઉતર્યા હતા, જેમને પ્રદર્શન માટે પૂર્વ મંજૂરી મળી નહોતી.

દક્ષિણ-પશ્ચિમ શહેર ટુલૂઝમાં શનિવારે 26 હજાર પ્રદર્શનકારીઓ જોડાયા હતા. ગૃહમંત્રી લોરાં નુનેઝે જણાવ્યું હતું કે દિવસભર ચાલેલા પ્રદર્શનો દરમિયાન 135 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. જપ્ત કરાયેલા હથિયારોમાં ગોળીઓ, સીસાના છરાઓ, ફટાકડા, ગોફણ, સ્ટીલની ગોળીઓ, હાથેથી બનાવેલાં હથિયારો, એર સોફ્ટ ગન અને જાપાની કટાના તલવારનો સમાવેશ થાય છે.

પેરિસની દક્ષિણે આવેલા ઓર્લિયન્સ શહેરમાં દક્ષિણપંથી નેશનલ રેલી પાર્ટીનું સંમેલન શરૂ થયું હતું, જ્યાં પાર્ટીના સમર્થકો અને વિરોધીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અત્યાર સુધી ત્યાં કોઈ અપ્રિય ઘટના બની હોવાના અહેવાલ નથી. પેરિસમાં પોલીસે બપોરના સમયે શાંતિપૂર્ણ સ્થિતિ હોવાની માહિતી આપી હતી.

આ પ્રદર્શનોમાં ડાબેરી પક્ષોના નેતાઓ, ટ્રેડ યુનિયનો, વિદ્યાર્થી જૂથો, સામાજિક કાર્યકરો અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી બિનસરકારી સંસ્થાઓ સામેલ હતી. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનની શરૂઆત વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલોની સ્થિતિ, શિક્ષકોની અછત, શાળાના સમયપત્રક અને સરકારી તથા ખાનગી શિક્ષણ વ્યવસ્થા વચ્ચેની અસમાનતા જેવા મુદ્દાઓ પર કરી હતી. ત્યારબાદ તેમાં ટ્રેડ યુનિયનો, નાગરિક સમાજના લોકો અને યલો વેસ્ટ્સ આંદોલનના સભ્યો પણ જોડાયા હતા.

આના એક સપ્તાહ પહેલાં જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે યોજાયેલા પ્રદર્શનો દરમિયાન રસ્તાઓ પર હિંસક અથડામણો થઈ હતી. આ સંકટને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને નેશનલ કાઉન્સિલની બેઠક બોલાવી હતી, જેમાં વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સામેલ થયા હતા.