ફ્રાન્સમાં વધતી મોંઘવારી, શિક્ષણ બજેટમાં કરાયેલા કાપ અને સરકારની નીતિઓ સામે લોકોનો ગુસ્સો ખૂબ વધી ગયો છે. દેશભરમાં થયેલા હિંસક પ્રદર્શનો દરમિયાન પોલીસ સાથે થયેલી ઝપાઝપી બાદ સુરક્ષા દળોએ આશરે 1000 લોકોની અટકાયત કરી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, રાજધાની પેરિસ સહિત દેશના મુખ્ય શહેરોમાં 4 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા. જો કે, મજૂર યુનિયનોનું કહેવું છે કે સરકારી આંકડા કરતાં પ્રદર્શનકારોની સંખ્યા ઘણી વધારે હતી.
સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા અને સરકારી ઇમારતોને ભીડથી બચાવવા માટે ગૃહ મંત્રાલયે 70 હજારથી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો તહેનાત કર્યા હતા. પેરિસના પોર્ટ દે વિંસેન વિસ્તારમાં હજારોની ભીડ ભેગી થઈ હતી. આ દરમિયાન કેટલાક નકાબપોશ પ્રદર્શનકારોએ પોલીસ પર ફટાકડા, કાચની બોટલો અને પથ્થરમારો કર્યો. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વોટર કેનન, સ્ટન ગ્રેનેડ અને આંસુ ગેસનો ઉપયોગ કરવો પડ્યો. પેરિસ ઉપરાંત લિયોન, રેન્સ અને માર્સે જેવા શહેરોમાં પણ ભારે હોબાળો થયો. પ્રદર્શનકારોએ રસ્તા પર ટાયર સળગાવ્યા અને દુકાનોમાં તોડફોડ કરી.
આ પ્રદર્શનો દેશના મજૂર યુનિયનો, વિદ્યાર્થી સંગઠનો અને વામપંથી રાજકીય પક્ષોના સંયુક્ત મંચના આહ્વાન પર યોજાયા હતા. પ્રદર્શનકારોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારી ભથ્થું, સરકારી ઘરોના ભાડામાં વધારો ન કરવો અને જાહેર શિક્ષણ બજેટમાં તાત્કાલિક વધારો કરવાનો સમાવેશ થાય છે. આર્થિક તંગી અને મોંઘવારીથી પરેશાન જનતાનો ગુસ્સો સીધો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે ફૂટી નીકળ્યો છે.
મોટા પાયે થયેલી અટકાયતો બાદ સ્થાનિક તપાસ એજન્સીઓ અને પોલીસે ગેરકાયદે હથિયારો રાખવા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદે ભીડ એકત્ર કરવાના ગુનાઓ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, આંદોલનનું નેતૃત્વ કરી રહેલા આયોજકોએ પીછેહઠ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને આગામી દિવસોમાં દેશવ્યાપી હડતાલને વધુ તીવ્ર બનાવવાની ચેતવણી આપી છે. આથી મેક્રોન સરકાર સામે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પડકાર ઊભો થયો છે.