સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક વિરોધ: 143 વર્ષ જૂનું ટાઉન હોલ સળગ્યું, 1,200 થી વધુ ધરપકડ

ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક વિરોધ: 143 વર્ષ જૂનું ટાઉન હોલ સળગ્યું, 1,200 થી વધુ ધરપકડ

ફ્રાન્સમાં વધતી મોંઘવારી અને અન્ય સામાજિક મુદ્દાઓ સામે લોકોનો ગુસ્સો વિરોધ પ્રદર્શનોમાં ફાટી નીકળ્યો છે. રાજધાની પેરિસ સહિત દેશના મોટા શહેરોમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધો હવે હિંસક બની ગયા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની છે.

ફ્રાન્સના લિમોજેસ શહેરમાં વિરોધીઓએ 143 વર્ષ જૂના ઐતિહાસિક ટાઉન હોલને આગ ચાંપી દીધી હતી. આ ઇમારત 1873માં બનાવવામાં આવી હતી અને 1883માં તેનું ઉદ્ઘાટન થયું હતું. બીજા વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓનો સામનો કરી ચૂકેલી આ ઇમારત હવે પોતાના દેશના નાગરિકોના રોષનો ભોગ બની છે.

AFP ના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ પહેલા ટાઉન હોલ બહાર ઊભેલા પોલીસ વાહનને આગ ચાંપી, ત્યારબાદ બારીઓ તોડીને અંદર પ્રવેશ કર્યો અને ઇમારતને સળગાવી દીધી. ફાયર બ્રિગેડે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આ ઘટનાને ફ્રાન્સની સૌથી મોટી વારસાગત આપત્તિ માનવામાં આવી રહી છે.

ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના આંકડા મુજબ શનિવારના વિરોધમાં અંદાજે 5,50,000 લોકો જોડાયા હતા, જ્યારે CGT યુનિયનનો દાવો છે કે 8,00,000 થી વધુ લોકો રસ્તા પર હતા. BBC ના અહેવાલ મુજબ, તોડફોડ અને આગચંપીના આરોપમાં પોલીસે 1,200 થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો.

પેરિસમાં રસ્તા પર પાર્ક કરાયેલા અનેક વાહનોને આગના હવાલે કરાયા હતા. લિયોનમાં પ્રવાસી કાર્યાલય સળગાવી દેવાયું હતું. માર્સેલી અને લીલીમાં પણ ટાઉન હોલને નુકસાન પહોંચાડાયું હતું, જ્યારે બોર્ડેક્સમાં પોલીસ ચોકી પર હુમલો થયો હતો.

પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે રાજધાનીની આખી શેરીઓ નાશ પામી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે હિંસા માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પેરિસ, રેન્સ, ટુલૂઝ અને એંગર્સમાં માસ્ક પહેરેલા અતિ-ડાબેરી વિરોધીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ જૂથોએ લિયોન, મોન્ટપેલિયર અને વેલેન્સમાં જાહેર સંપત્તિમાં આગ લગાવી અને દુકાનોમાં લૂંટફાટ કરી.

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પશ્ચિમી ઉદારવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે લખ્યું કે વિવિધતા અને કરુણાના નામે ત્રીજા વિશ્વના લોકોને ફ્રાન્સમાં લાવીને સ્થાયી કરવામાં આવ્યા, જે સામાજિક એકીકરણ અને અનુકૂલનના મુદ્દાઓને અવગણવાનું પરિણામ છે. વાન્સે ફ્રાન્સની ઐતિહાસિક ઇમારતોને બચાવવા અને અમેરિકાએ આમાંથી બોધપાઠ લેવાની આશા વ્યક્ત કરી છે.