ફ્રાન્સમાં જીવનનિર્વાહના વધતા ખર્ચ અને ઇંધણના ભાવવધારા સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. પેરિસ સહિત દેશના અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી છે. આ દરમિયાન લિમોગેસ શહેરનું 143 વર્ષ જૂનું ઐતિહાસિક ટાઉન હોલ આગમાં ધરાશાયી થયું છે.
આ ઇમારત 1873માં બનાવવામાં આવી હતી અને 1883માં તેનું ઉદ્ઘાટન થયું હતું. બે વિશ્વયુદ્ધ ઝીલી ચૂકેલી આ ઇમારત હવે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં આગચંપીનો ભોગ બની છે. એજન્સીના અહેવાલ મુજબ ટાઉન હોલને ભારે નુકસાન થયું છે. આ ઘટનાને વારસાના સંદર્ભમાં મોટી આપત્તિ ગણવામાં આવી રહી છે અને ઐતિહાસિક ઇમારતને નિશાન બનાવવા પર ટીકા થઈ રહી છે.
અહેવાલો પ્રમાણે પ્રદર્શનકારીઓએ પહેલા ટાઉન હોલની બહાર ઊભેલી પોલીસની ગાડીને નિશાન બનાવી, તેમાં આગ લગાવી અને બારીઓ તોડીને ઇમારતમાં ઘૂસી તેને સળગાવી દીધી. હાલ વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં આશરે 5.5 લાખ લોકો જોડાયા હતા, જ્યારે સીજીટી યુનિયન 8 લાખ લોકોના ભાગ લેવાનો દાવો કરી રહ્યું છે. અહેવાલ મુજબ આશરે 1200 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે બુકાનીધારી પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસના ગોળા છોડ્યા છે અને વોટર કેનનનો ઉપયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓએ રાજધાની પેરિસમાં ઊભી રાખેલી ગાડીઓને સળગાવી દીધી છે. લ્યોનમાં એક પર્યટન કચેરીને આગ લગાવવામાં આવી છે, જ્યારે માર્સેઈ અને લિલેમાં ટાઉન હોલ તથા બોર્દોમાં પોલીસ પરિસરની ઇમારતમાં ઘૂસીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરના જણાવ્યા અનુસાર રાજધાનીમાં એક આખો રસ્તો બરબાદ થયો છે. રાષ્ટ્રપ્રમુખે ચેતવણી આપી છે કે આ પ્રકારના ઉપદ્રવમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કેસ ચલાવવામાં આવશે અને તેમને સજા મળશે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર પેરિસ તેમજ રેનેસ, ટૂલૂઝ અને એંગર્સ જેવા શહેરોમાં બુકાનીધારી અલ્ટ્રા-લેફ્ટ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ જૂથોએ લ્યોન, મોન્ટપેલિયર અને વેલેન્સ જેવી જગ્યાઓએ રસ્તાની બાજુમાં રાખેલા સામાનમાં આગ લગાવી, જાહેર ઇમારતોને નુકસાન પહોંચાડ્યું અને દુકાનોમાં લૂંટફાટ કરી.
બીજી બાજુ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ ઘટનાને ફ્રાન્સમાં થયેલા ઇમિગ્રેશન સાથે જોડીને પશ્ચિમી ઉદારવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું કે પશ્ચિમી ઉદારવાદીઓએ વિવિધતા અને કરુણાના નામે ફ્રાન્સ સહિતના દેશોમાં વિકાસશીલ દેશોના લોકોને લાવીને વસાવ્યા, પરંતુ સમાજમાં હળીમળીને રહેવા અને અનુકૂળ પાયાના પ્રશ્નોને નજરઅંદાજ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમને પહેલા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તે ધ્યાનમાં લેવાઈ નહીં.