સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સમાં ઈંધણ સંકટ: દર 9માંથી 1 પેટ્રોલ પંપ પર સ્ટોક ખતમ, ડીઝલ વિક્રમી ભાવે

ફ્રાન્સમાં ઈંધણ સંકટ: દર 9માંથી 1 પેટ્રોલ પંપ પર સ્ટોક ખતમ, ડીઝલ વિક્રમી ભાવે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ બાબ અલ મંદેબ માર્ગેથી પણ ઓઈલની આવક અટકી છે. તેની અસર હવે દુનિયાભરમાં દેખાવા લાગી છે. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા છે અને અમેરિકામાં ડીઝલ મોંઘું થયું છે.

આ પરિસ્થિતિમાં ફ્રાન્સમાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. મળતી માહિતી મુજબ દેશના દર 9માંથી 1 પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂરો થઈ ગયો છે. એટલે કે દેશભરના લગભગ 11 ટકા પંપ પર ઈંધણ જ નથી. ઘણા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે.

ઈંધણની અછતને કારણે ભાવ પણ આકાશ આંબી રહ્યા છે. ડીઝલનો ભાવ પ્રતિ લિટર 2.39 યુરોને વટાવી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ભાવે દેશભરમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સપ્લાયમાં ખલેલને કારણે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજો વધ્યો છે.

પ્રાદેશિક સ્તરે સ્થિતિ આ પ્રમાણે છે: ગ્રાન્ડ એસ્ટ વિસ્તારમાં 16 ટકા, સેન્ટર-વાલ દ લોઆર અને ઓક્સિટાનીમાં 14 ટકા તથા પેસ દ લા લોઆરમાં 13 ટકા ફ્યુલ સ્ટેશન બંધ પડ્યા છે.

ફ્રાન્સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોને G-7 દેશોને અપીલ કરી છે કે ઈમરજન્સી ઓઈલ રિઝર્વમાંથી ફ્રાન્સને તાત્કાલિક ઈંધણ સપ્લાય કરવામાં આવે. આ મામલે G-7 દેશોની બેઠક બોલાવવાની પણ માંગ ઉઠી છે.