સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી સિનેમામાં આજે ચાર ફિલ્મો રિલીઝ, બોક્સ ઑફિસ પર સીધી ટક્કર

ગુજરાતી સિનેમામાં આજે ચાર ફિલ્મો રિલીઝ, બોક્સ ઑફિસ પર સીધી ટક્કર

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આજે એટલે કે 23 ઓક્ટોબરે એકસાથે ચાર ફિલ્મો રિલીઝ થઈ છે. આમાં 'ચોર નંબર 1', 'ડમરુ', 'કમાલ છે તુ કાકુ' અને 'છળકપટ'નો સમાવેશ થાય છે. એક જ દિવસે ચાર ફિલ્મો આવતાં દર્શકો પાસે પસંદગી વધી ગઈ છે, જ્યારે નિર્માતાઓ માટે બોક્સ ઑફિસ પર સ્પર્ધા કડક બની છે.

'ડમરુ'
આ ફિલ્મમાં સંજય ગોરાડિયા, મૌલિક ચૌહાણ, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ અને હેમાંગ દવે મુખ્ય ભૂમિકામાં છે. ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સે નિર્માણ કરેલી આ ફિલ્મના દિગ્દર્શક હાર્દિક પરીખ છે, જ્યારે રમેશ પ્રજાપતિ, સંજય સોની અને કૃપા સોનીએ નિર્માણ કર્યું છે. વાર્તા એવી છે કે ફિલ્મના તમામ પાત્રો એક રિસોર્ટમાં ભેગા થાય છે. ત્યાં બધા વચ્ચે કેટલાક રહસ્યો, પ્રેમ અને ગુસ્સો સામે આવે છે. દરેક વ્યક્તિ બીજા કોઈકથી કંઈક ને કંઈક છુપાવી રહી છે. આ સસ્પેન્સ શું છે તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. રહસ્યોની સાથે કોમેડી પણ વણાયેલી છે.

'ચોર નંબર 1'
આ ફિલ્મમાં મુખ્યત્વે કોમેડી છે. વાર્તા પ્રમાણે ચોરના ઘરે ચોરી થાય છે અને પછી ધમાલ-મસ્તી શરૂ થાય છે. શ્રેય મારડિયા, રિશી જાની, પાર્થ મોદી, આંચલ શાહ, અર્ચન ત્રિવેદી, કેતન ઠક્કર, મનીન ત્રિવેદી, રવિ સોલંકી, હેતલ બારોટ અને કવન પટેલ આ ફિલ્મમાં કલાકારો છે. દિગ્દર્શક રાકેશ શાહ છે. નિર્માતા પ્રશાંત મોદી, અમિત વેડાવાલા, પિંકી વેડાવાલા અને નિલેશ મોદી છે, જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અંકિતા જિયાની છે. સંગીત મૌલિક મહેતાનું છે. ગીતો ઉમેશ બારોટ, મીર મહેતા અને મૌલિક મહેતાએ ગાયા છે, અને ગીતકાર કિરન પરિહાર છે.

'કમાલ છે તુ કાકુ'
આ ફિલ્મનું દિગ્દર્શન સત્યમ રાજે કર્યું છે. ભાવિની જાની, આકાશ ઝાલા, નમન ગોર, સત્યેન વર્મા અને નિસર્ગ બ્રહ્મભટ્ટ જેવા કલાકારો છે. ફિલ્મના નિર્માતા પણ સત્યમ રાજ છે. વાર્તા એવી છે કે કાકુ નામનો યુવાન પોતાને પિતા સામે સાબિત કરવા માગે છે, પરંતુ આ પ્રયત્નમાં તે એક કુખ્યાત વ્યક્તિ પાસે મોટી રકમ ગુમાવી બેસે છે. હવે કાકુ આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે, તે કોમેડી અને ડ્રામા સાથે બતાવવામાં આવ્યું છે.

'છળકપટ'
આ ફિલ્મના દિગ્દર્શક રાજેન્દ્ર શુક્લા છે. ધરમ સવલાની, ભવ્ય ખત્રી, કિન્નલ નાયક, ફિરોઝ ઇરાની અને જિજ્ઞેશ મોદી સહિતના કલાકારો છે. ફિલ્મના નિર્માતા જીગર શાહ છે. વાર્તામાં એક વ્યક્તિને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવે છે. તે વ્યક્તિ જેલમાંથી કેવી રીતે બહાર આવે છે અને સાચા ગુનેગારોને સજા મળે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.

ચારેય ફિલ્મોની વાર્તા અલગ છે — એકમાં રિસોર્ટનું રહસ્ય, બીજીમાં ચોરીની ધમાલ, ત્રીજીમાં પિતા-પુત્રની ભાવનાત્મક કોમેડી અને ચોથીમાં જેલ અને ન્યાયની વાત છે. કઈ ફિલ્મ દર્શકોને વધુ ગમશે, તે આવનારા દિવસોમાં બોક્સ ઑફિસના આંકડા પરથી સ્પષ્ટ થશે.