સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચ પર પુરાવા વગરના આક્ષેપો લોકશાહી માટે ખતરો: 42 પૂર્વ જજોની ચેતવણી

ચૂંટણી પંચ પર પુરાવા વગરના આક્ષેપો લોકશાહી માટે ખતરો: 42 પૂર્વ જજોની ચેતવણી

ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણા (SIR) અંગે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે 42 પૂર્વ ન્યાયાધીશોએ એક પત્ર જાહેર કરીને વિપક્ષને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ નક્કર પુરાવા વગર બંધારણીય સંસ્થાઓ પર આરોપ લગાવવા યોગ્ય નથી. આવા આરોપોથી લોકશાહી સંસ્થાઓમાં સામાન્ય લોકોનો વિશ્વાસ ઘટી શકે છે.

પૂર્વ જજોએ બુધવારે લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોઈ પણ સંસ્થાના કામકાજ સામે સવાલ ઉઠાવવો એ લોકશાહી અધિકાર છે, પણ આક્ષેપ કરતી વખતે પૂરતા પુરાવા હોવા જરૂરી છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે પોતાની ફરિયાદોના નિરાકરણ માટે લોકશાહી અને કાયદાકીય માર્ગ અપનાવે.

પૂર્વ જજોએ ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા SIR પ્રક્રિયાનું સમર્થન કર્યું છે. તેમના કહેવા પ્રમાણે મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયા કાયદાના દાયરામાં જ કરવામાં આવી રહી છે. બંધારણીય સંસ્થાઓ પર સતત આધારહીન હુમલા કરવાથી દેશની ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે પ્રજાના વિશ્વાસ પર ગંભીર અસર પડી શકે છે.

બીજી તરફ વિપક્ષી દળો અને કેટલાક નાગરિક સંગઠનો SIR પ્રક્રિયા સામે સતત સવાલો ઊભા કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામ પ્રભાવિત થઈ શકે છે. આ મામલે ચૂંટણી પંચના કામકાજ અને મતદાર ડેટા અંગે કોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે.

SIR અને કથિત વોટ ચોરીના આરોપોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનો વિરોધ યથાવત્ છે. ગુરુવારે કોંગ્રેસ પક્ષે નવી દિલ્હીમાં મોટું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. બુધવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ સંસદ ભવન તરફ માર્ચ કાઢી હતી, જ્યાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા કેટલાક સાંસદોની અટકાયત કરી પાછળથી તેમને છોડી મૂક્યા હતા.

જંતર-મંતર જવા રવાના થતાં પહેલાં રાહુલ ગાંધીએ મંગળવારે આકાશવાણી ભવન બહાર 9 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ધરણા મામલે પોતાની સામે નોંધાયેલી FIR પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની સામે અગાઉથી જ 45 કેસ ચાલી રહ્યા છે અને તેમનો 'ટાર્ગેટ 100 FIR' સુધી પહોંચવાનો છે.