નવી દિલ્હી: મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ફોર્મ-6માં કરાયેલા કથિત ફેરફારો અંગેના વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે એક ફેક્ટ ચેક જારી કર્યું છે. ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ દાવાને ભ્રામક ગણાવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગેરકાયદે અને એકતરફી રીતે ફોર્મ-6માં ફેરફાર કર્યો છે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) માટે 24 જૂન 2025ના રોજ જારી કરાયેલા આદેશને પંચની સર્વાનુમતે મંજૂરી મળી હતી અને બાદમાં 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં તેને માન્ય રાખ્યો હતો.
ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બર 2026ની પોતાની પ્રેસ નોટ નંબર 120ના મુદ્દા નંબર 1(iii)નો ઉલ્લેખ કર્યો હતો. પંચે જણાવ્યું કે SIR પ્રક્રિયા માટે ફોર્મ-6 સાથે જોડવામાં આવેલા ડિક્લેરેશનને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યું છે. ચૂંટણી પંચનો આ ખુલાસો રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટ બાદ આવ્યો છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીનો હવાલો આપીને આરોપ લગાવ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનરે ગેરકાયદે અને મનસ્વી રીતે ફોર્મ-6માં ફેરફાર કરી દીધો છે.
આ સામે ભાજપના નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર ફોર્મ-6 અને બિહાર SIR મામલે દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે ભાજપને ફાયદો પહોંચાડવા માટે ચૂંટણી પંચે ફોર્મ-6માં ગેરકાયદેસર બદલાવ કર્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં આવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. તેમણે ખાસ વાંધો ઉઠાવતા કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એકપક્ષીય રીતે કોઈ ફેરફાર કર્યો નથી અને સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6ને ગેરકાયદે જાહેર કર્યું નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ચૂંટણી પંચના અધિકારીઓએ વિગત આપતાં કહ્યું કે મૂળ ફોર્મ-6માં કોઈ સંશોધન કે સુધારો કરવામાં આવ્યો નથી. માત્ર બિહાર SIR આદેશ હેઠળ આ ફોર્મ સાથે વધારાનું એક ડિક્લેરેશન (બાંહેધરી પત્ર) જોડવામાં આવ્યું છે. આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટની સોમવારની એ ટિપ્પણી બાદ સામે આવી છે, જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ઉપયોગમાં લેવાતા ફોર્મ-6માં કોઈપણ સુધારાને કોર્ટે મંજૂરી આપી નથી.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'અમે ફોર્મ-6માં કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી, આ બાબત સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે રેકોર્ડ રજૂ કરવામાં આવશે ત્યારે અમે તપાસ કરીશું કે આ સંશોધન કોણે કર્યું છે.' આ મામલે ખંડપીઠે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ પાઠવી છે અને 1 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.