ફોર્બ્સની 2026ની ભારતના 100 સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી અને તેમના પરિવારે ત્રણ વર્ષ બાદ ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ₹10.85 લાખ કરોડ (11,270 કરોડ ડૉલર) આંકવામાં આવી છે.
ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિ ₹1.99 લાખ કરોડ (2,070 કરોડ ડૉલર) વધી છે. ડૉલરના હિસાબે તેઓ આ વર્ષે યાદીમાં સૌથી વધુ સંપત્તિ વધારનારા ઉદ્યોગપતિ પણ રહ્યા. જોકે, તેમની સંપત્તિ હજુ પણ 2022ના ₹14.43 લાખ કરોડ (15,000 કરોડ ડૉલર)ના શિખરથી નીચે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા સ્થાને સરકી ગયા છે. તેમની સંપત્તિ ₹1.80 લાખ કરોડ ઘટીને ₹8.3 લાખ કરોડ રહી છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, વિવિધ વ્યવસાયોમાં માર્જિન પર પડેલા દબાણની અસર રિલાયન્સના શેરો પર પડી છે.
આ વર્ષે યાદીમાં ચાર નવા નામ સામેલ થયા છે. તેમાં ઇન્ડો-એમઆઈએમના કૃષ્ણા ચિવુકુલા, અપાર ઇન્ડસ્ટ્રીઝના કુશલ અને ચૈતન્ય દેસાઈ, આદિત્ય ઇન્ફોટેકના આદિત્ય ખેમકા અને બાલાજી વેફર્સના વિરાણી બંધુઓનો સમાવેશ થાય છે.
કુશલ અને ચૈતન્યની સંપત્તિ ₹40,898 કરોડ છે, જ્યારે આદિત્ય ખેમકાની પારિવારિક સંપત્તિ ₹34,643 કરોડ છે. આ વર્ષે રૂપિયો 8.5% અને શેરબજાર 9.5% ઘટ્યું. તેમ છતાં, 100 સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ આશરે ₹96.23 લાખ કરોડ પર જળવાઈ રહી. તેમાં અદાણીનો હિસ્સો આશરે 11.3% અને અંબાણીનો આશરે 8.6% છે.