મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટીનો અર્થ માત્ર સરકારી પરમિશન મેળવી લેવાનો નથી, પરંતુ ખોરાકની ગુણવત્તા અને નિર્ધારિત ધોરણોનું સતત પાલન કરવું જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે દેશમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ ઝડપથી વધી રહી છે. તેનું એક મોટું કારણ ફૂડ સેફ્ટીના નિયમોની અવગણના અને ભેળસેળયુક્ત ખોરાક છે. આપણે રોજ શું આરોગીએ છીએ તેની ગુણવત્તા જાહેર આરોગ્ય પર સીધી અસર કરે છે.
ઓનલાઇન ફૂડ ડિલિવરી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે 2006 પહેલાંના કાયદાઓમાં ઓનલાઇન ફૂડ સિસ્ટમનો કોઈ ઉલ્લેખ નહોતો. ઓનલાઇન ફૂડની ગુણવત્તા સુનિશ્ચિત કરવા મહારાષ્ટ્રમાં એક વિશેષ પોર્ટલ શરૂ કરાયું છે, જ્યાં નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ કરવામાં આવે છે. દેશભરમાં ફૂડ સેફ્ટીના નિયમોનું કડકાઈથી પાલન થાય તે જાહેર આરોગ્ય માટે અત્યંત જરૂરી છે.
તુકારામ મુંઢેએ એવા અધિકારીઓનું ઉદાહરણ પણ આપ્યું, જેઓ પ્રામાણિકતાથી કામ કરે છે. તેમણે કહ્યું કે જો અધિકારી ઇચ્છે તો પરિસ્થિતિ સુધારી શકે છે, પણ શરત એ છે કે તે નીતિમત્તા અને કાયદાની મર્યાદામાં રહીને જનતાને તેમના ટેક્સના પૈસાનું પૂરતું વળતર આપે. તેમણે પ્રશ્ન કર્યો કે જે ખોરાકના બિલ પર આપણે ટેક્સ ભરીએ છીએ, તેના બદલામાં આપણને શું મળે છે? ગંદકી, અસ્વચ્છતા અને સડેલો ખોરાક! ખોરાકમાં મચ્છર-જીવાત કે ઝેરી કેમિકલ્સ પીરસવામાં આવે છે, જેના કારણે માણસ ધીમે-ધીમે ઝેરનો આદી બનતો જાય છે અને ડાયાબિટીસ તથા કેન્સર જેવા જીવલેણ રોગોનો ભોગ બને છે. તેનું આકરું પરિણામ તે પોતે અને તેનો આખો પરિવાર ભોગવે છે.