ખરાબ કે વાસી ખોરાક ખાધા પછી અચાનક પેટમાં તીવ્ર દુખાવો, ચૂંક, ઉલટી કે ઝાડા શરૂ થાય તો તે ફૂડ પોઈઝનિંગની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં પાચનતંત્ર શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, જેના કારણે પેટમાં દુખાવો અને અગવડતા થાય છે. યોગ્ય સમયે સારવાર અને સાવચેતી લેવી જરૂરી છે.
ઇલેક્ટ્રોલાઇટ સંતુલન અને હાઇડ્રેશન જાળવો: ઉલટી કે ઝાડાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેનાથી પેટની ચૂંક વધુ ગંભીર બની શકે છે. આથી WHO દ્વારા માન્ય ORSનું દ્રાવણ અથવા નાળિયેર પાણી થોડા-થોડા ઘૂંટડે પીતા રહો. એકસાથે વધુ પ્રવાહી ન પીવું; દર 10-15 મિનિટે થોડું પાણી પીવું જેથી ઉલટીની શક્યતા ઘટે.
આહારમાં ફેરફાર કરો: હળવો અને સરળ પચાવી શકાય તેવો આહાર લો. મગની દાળની પાતળી ખીચડી, કેળું, બાફેલા ભાત, દળિયા કે ટોસ્ટ ફાયદાકારક છે. દૂધ અને ડેરી ઉત્પાદનો, કેફીનયુક્ત પીણાં, તળેલું, તીખું, મસાલેદાર અને વધુ મીઠા જ્યુસથી બચો, કારણ કે તે આંતરડામાં આથો અને ચૂંક વધારે છે.
પેટ પર હળવો શેક કરો: પેટ પર હોટ વોટર બેગ અથવા હીટિંગ પેડથી 15-20 મિનિટ હળવો શેક કરવાથી આંતરડાના સ્નાયુઓ રિલેક્સ થાય છે અને ચૂંકમાં રાહત મળે છે.
દવાઓ અંગે સાવચેતી: ડૉક્ટરની સલાહ વગર લોપેરામાઇડ (Loperamide) જેવી દવાઓ ન લેવી. આ દવા આંતરડાની ગતિ રોકે છે, જેથી ટોક્સિન અને બેક્ટેરિયા બહાર નીકળી શકતા નથી અને ચેપ વધી શકે છે. વધુ દુખાવો કે ચૂંક હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ એન્ટીસ્પાઝમોડિક દવા લેવી.
ક્યારે ડૉક્ટરની સલાહ લેવી? જો પેટમાં અસહ્ય દુખાવો, 102°F થી વધુ તાવ, ઝાડામાં લોહી કે કફ દેખાય અથવા પેશાબ બંધ થઈ જાય, તો ઘરેલું ઉપચાર બંધ કરીને તરત જ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અથવા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા, આહારમાં ફેરફાર કે ઉપચાર પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.