ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાનું સપનું લઈને યુક્રેન, રશિયા, ફિલિપાઇન્સ, ચીન અને જ્યોર્જિયા જેવા દેશોમાં MBBS અભ્યાસ માટે જાય છે. ભારતમાં મેડિકલની મર્યાદિત બેઠકો અને ખાનગી કોલેજોની ઊંચી ફીના કારણે વિદેશ જવું સહેલું લાગે છે. પરંતુ વિદેશથી ભણીને આવ્યા બાદ ભારતમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ મેળવવું ખૂબ અઘરું બની રહ્યું છે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સીસ (NBEMS)ના તાજેતરના અહેવાલો આ કડવી હકીકત દર્શાવે છે. વિદેશથી મેડિકલનો અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) પાસ કરવી ફરજિયાત છે.
NBEMSના વર્ષ 2025ના સત્તાવાર પરફોર્મન્સ રિપોર્ટ મુજબ, ગુજરાતના કાયમી રહેવાસી ઉમેદવારોનું પરિણામ ચિંતાજનક રહ્યું છે. જૂન 2025માં કુલ 1,891 ઉમેદવારોમાંથી માત્ર 345 (18.24%) પાસ થયા, જ્યારે 1,546 નાપાસ થયા. ડિસેમ્બર 2025માં 2,246 ઉમેદવારોમાંથી માત્ર 582 (25.91%) પાસ થઈ શક્યા. આમ, વર્ષ 2025માં બંને સેશન મળીને કુલ 4,137 ઉમેદવારો બેઠા હતા, જેમાંથી માત્ર 927 (અંદાજે 22.4%) જ સફળ થયા. એટલે કે 75%થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિદેશની કોલેજોમાં પ્રવેશ મેળવવો જેટલો સહેલો છે, એટલું જ અઘરું ભારતમાં આવીને લાઇસન્સ મેળવવાનું છે.
FMGE પાસ કર્યા પછી પણ મુશ્કેલીઓ ખતમ થતી નથી. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC)માં પરમેનન્ટ રજિસ્ટ્રેશન મેળવવાનો રસ્તો લાંબો અને અડચણોથી ભરેલો છે. GMCની સત્તાવાર વેબસાઇટ gmcgujarat.org અને gmconline.co.inના ડેટા અને સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય મુશ્કેલીઓ નીચે મુજબ છે:
ઇન્ટર્નશિપ (CRMI) બેઠકોની અછત: FMGE પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કાઉન્સિલિંગ પ્રક્રિયામાંથી પસાર થઈને કમ્પલસરી રોટેટરી મેડિકલ ઇન્ટર્નશિપ (CRMI) પૂર્ણ કરવી પડે છે. પરંતુ ગુજરાતમાં દર વર્ષે ઇન્ટર્નશિપની બેઠકોની ભારે અછત સર્જાય છે.
દસ્તાવેજોનું ધીમું વેરિફિકેશન: વિદેશી યુનિવર્સિટીઓના દસ્તાવેજોનું વેરિફિકેશન થવામાં મહિનાઓ અને ક્યારેક વર્ષો નીકળી જાય છે.
અસ્પષ્ટ આંકડા: પરીક્ષા પાસ કરનારા 927 ઉમેદવારોમાંથી વાસ્તવમાં દર વર્ષે કેટલા લોકોને કાયમી લાઇસન્સ મળે છે તેનો સત્તાવાર આંકડો જાહેર કરાતો નથી, જે દર્શાવે છે કે આ આંકડો નહિવત્ છે.
એક તરફ નવેમ્બર 2024 સુધીના સંસદના જવાબ મુજબ ગુજરાતમાં કુલ એલોપેથિક ડૉક્ટરોની સંખ્યા 79,169 નોંધાઈ છે. બીજી તરફ, સરકાર અને સિસ્ટમ ગુણવત્તાયુક્ત ડૉક્ટરો જ સેવા આપે તે માટે નિયમો કડક કરી રહી છે.
નિષ્ણાતોના મતે, વિદેશની ઘણી કોલેજોમાં ક્લિનિકલ એક્સપોઝર (દર્દીઓને પ્રત્યક્ષ જોવાનો અને સારવાર કરવાનો અનુભવ) ઓછો હોય છે. પરિણામે, ભારતીય ધોરણો મુજબની આકરી થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ પાસ કરવી વિદેશથી ભણીને આવેલા વિદ્યાર્થીઓ માટે પડકારજનક બની જાય છે.