સત્ય. સાહસ. સંકલ્પ.

ત્રણ દેશોની બેદરકારી: પ્રતિબંધ હોવા છતાં પાઇલટે ફ્લાયદુબઈમાં નોકરી મેળવી, પ્લેન ક્રેશનું કાવતરું રચ્યું

ત્રણ દેશોની બેદરકારી: પ્રતિબંધ હોવા છતાં પાઇલટે ફ્લાયદુબઈમાં નોકરી મેળવી, પ્લેન ક્રેશનું કાવતરું રચ્યું

દુબઈ: ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીની ઘટનાએ ઓમાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઇઝરાઇલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

અમેરિકન અખબાર 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, હમામીને તેના કટ્ટરપંથી વિચારોને કારણે ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ છતાં ફેબ્રુઆરી 2026માં તેને ફ્લાયદુબઈમાં નોકરી મળી ગઈ. એરલાઇને તેની અગાઉની નોકરી અને રેકોર્ડની પુષ્ટિ કરવા માટે ઓમાનનો સંપર્ક કર્યો નહોતો.

હમામીએ 2018માં ઓમાન એર સાથે જોડાણ કર્યું હતું અને 2022માં પાઇલટ બન્યો હતો. 2024માં અધિકારીઓને જાણ થઈ કે તે કટ્ટરપંથી વેબસાઇટ્સ અને બ્લોગ્સ જોઈ રહ્યો હતો. ત્યારબાદ તેને ડેસ્ક જોબ આપવામાં આવી અને ડી-રેડિકલાઇઝેશન કાર્યક્રમમાં મોકલવામાં આવ્યો. 2025ની શરૂઆતમાં તેણે ઓમાન એર છોડી દીધી અને ફેબ્રુઆરી 2026માં ફ્લાયદુબઈમાં જોડાયો.

રિપોર્ટ મુજબ, એરલાઇને તેનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક કર્યું હતું, પરંતુ તેના જૂના રેકોર્ડની પુષ્ટિ કરવા માટે ઓમાનનો સંપર્ક કર્યો ન હતો. હવે તેની ભરતી પ્રક્રિયામાં સામેલ ફ્લાયદુબઈના કર્મચારીઓની પણ તપાસ ચાલી રહી છે.

ઇઝરાઇલના નિયમો મુજબ, વિદેશી એરલાઇન્સે મુસાફરો અને ક્રૂની યાદી અગાઉથી મોકલવી પડે છે. ફ્લાયદુબઈએ આ યાદી મોકલી હતી, છતાં હમામીને ફ્લાઇટમાં જતાં રોકવામાં આવ્યો ન હતો. ઇઝરાઇલના પરિવહન મંત્રાલય મુજબ, તેણે ક્રૂની યાદીની તપાસ કરી ન હતી. મંત્રાલયનું કહેવું છે કે 2023માં બનાવવામાં આવેલા ડેટાબેઝ સુધી તે પહોંચી શકે છે, પરંતુ તેને તેની જાણકારી જ નહોતી.

ઓમાન અને ઇઝરાઇલ વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. અહેવાલ મુજબ, આવા દેશોના પાઇલટોને ઇઝરાઇલ જતી ફ્લાઇટ ઉડાવવાની મંજૂરી નથી. પૂર્વ ઇઝરાઇલી સુરક્ષા અધિકારી એતાન બેન ડેવિડે કહ્યું કે હમામીને તેની રાષ્ટ્રીયતાના આધારે જ રોકી દેવો જોઈતો હતો.

હમામીએ એકલાએ જ વિમાનને ક્રેશ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અહેવાલો મુજબ, અત્યાર સુધી તેના કોઈ સંગઠન અથવા સરકાર સાથે જોડાયેલા હોવાની માહિતી મળી નથી.

ઇટાલીના અખબાર 'કોરિએરે ડેલા સેરા'ના અહેવાલ મુજબ, હમામીની યોજના કેપ્ટન સ્મિતની હત્યા કરીને વિમાનને તેલ અવિવમાં આવેલી કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી. તેણે કોકપિટમાં નમાજ પઢવાનું બહાનું બનાવીને કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો હતો.

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તેની પ્રથમ યોજના નિષ્ફળ થવા લાગી, ત્યારે તેણે વિમાનને રણમાં તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ઓટોપાઇલટ બંધ કરી દીધો, જેના કારણે વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું. તપાસકર્તાઓને શંકા છે કે હમામીએ વિમાનના બંને એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફ્લાઇટરડાર24 મુજબ, વિમાન લગભગ એક મિનિટમાં 33 હજાર ફૂટથી 17 હજાર ફૂટ સુધી નીચે આવી ગયું હતું.

રિપોર્ટ મુજબ, હમામીએ નજામ દરમિયાન ઇમરજન્સી માટે રાખેલી ક્રેશ એક્સ એટલે કે કુહાડી કાઢી અને પાછળથી કેપ્ટન સ્મિત પર વાર કરવા લાગ્યો. શરૂઆતમાં સ્મિતને લાગ્યું કે વિમાનનો કોઈ ભાગ તેમના માથા સાથે અથડાયો છે, પરંતુ સતત વાર થતાં તેમને સમજાયું કે તેમના પર હુમલો થઈ રહ્યો છે.

હુમલામાં કેપ્ટન સ્મિતના માથા પર ગંભીર ઈજા થઈ અને તેમના હાથ પર પણ ઊંડી ઈજા થઈ. ઘણું લોહી વહી રહ્યું હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ હમામીએ દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ સ્મિતે તેની સાથે ઝપાઝપી કરતાં ફરીથી દરવાજો ખોલ્યો.

કોકપિટમાંથી અવાજો સાંભળીને તાલી બર્કોવિચ નામની એક મહિલાએ લોકોને તેની જાણકારી આપી. ત્યારબાદ અનેક મુસાફરો અને ફરજ પર ન હોય તેવા બે પાઇલટ કોકપિટમાં પહોંચ્યા. તેમણે કેપ્ટન સ્મિતને ગંભીર હાલતમાં જોયા અને કો-પાઇલટ હમામીને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.

ઇઝરાઇલી મહિલા તાલી બર્કોવિચ-માનેસ તે સમયે ફ્લાઇટના ટોયલેટની બહાર હતી, જ્યારે તેમની 6 વર્ષની પુત્રી નીના અંદર હતી. કોકપિટમાંથી અવાજ સાંભળીને તાલીને પાઇલટ પર હુમલાની આશંકા થઈ. તેમના પતિ ત્ઝવિકા કોકપિટમાં પહોંચ્યા અને કો-પાઇલટને કાબૂમાં લેવામાં મદદ કરી.

રિપોર્ટ મુજબ, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિમાન ઝડપથી જમીન તરફ નીચે આવી રહ્યું હતું. તેની ઝડપ 970 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ પહોંચી ગઈ હતી.