દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 30 સપ્ટેમ્બરના રોજ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર તેમના સહ-પાઇલટે ઇમરજન્સી માટે રાખવામાં આવતી કુહાડીથી હુમલો કર્યો હતો. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. ગંભીર ઇજા અને ધૂંધળી દૃષ્ટિ વચ્ચે પણ કેપ્ટન મચ્છરે કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોના જીવ બચાવ્યા હતા.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલના સ્વાતંત્ર્ય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. શનિવારે નેતન્યાહુ સાથેની વાતચીતમાં કેપ્ટન મચ્છરે તે ભયાનક ક્ષણોની વિગતો જણાવી હતી.
કેપ્ટન મચ્છરે જણાવ્યા મુજબ, બોઇંગ એરક્રાફ્ટ હવામાં સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું હતું. ત્યારે ઓમાની સહ-પાઇલટ હમામ અલ-હમ્મામી તેમની સીટ પરથી ઊભો થયો અને પ્રાર્થના કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્થાનિક કલીગ્સ માટે આ પ્રક્રિયા સામાન્ય હોવાથી કેપ્ટન મચ્છરે સાથીદારની ધાર્મિક ભાવનાનું સન્માન કરતાં પાછળ ન જોયું અને કંટ્રોલ પેનલ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું. પરંતુ આ ધાર્મિક આડ એક ખતરનાક ચાલ હતી. લગભગ 4 થી 5 મિનિટ પછી સહ-પાઇલટે કુહાડી ઉપાડી અને આગળ જોઈ રહેલા કેપ્ટન મચ્છરના માથાના પાછળના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો.
પ્રથમ પ્રહાર એટલો અચાનક અને પ્રચંડ હતો કે કેપ્ટન મચ્છરને શરૂઆતમાં સમજાયું નહીં કે તેમની સાથે શું બન્યું છે. તેમને લાગ્યું કે વિમાન હવામાં કોઈ વસ્તુ સાથે અથડાયું છે અથવા કોઈ મોટી યાંત્રિક ખામી સર્જાઈ છે. કેપ્ટન મચ્છરે કહ્યું, 'લગભગ 4-5 મિનિટ પછી મારો પહેલો વિચાર એ આવ્યો કે વિમાનને કોઈ મોટું નુકસાન થયું છે અને કંઈક ગંભીર બન્યું છે. પરંતુ તે પછી એક પછી એક ઉપરાઉપરી ઘા થવા લાગ્યા. ત્યારે મને અહેસાસ થયો કે આ વિમાનની કોઈ ખરાબી નથી, પરંતુ કોકપિટમાં મારી સાથે રહેલો શખસ મારા પર હુમલો કરી રહ્યો છે.'
હુમલાખોરે માથા પર એટલા ઘા માર્યા કે કેપ્ટનની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તેમની જોવાની ક્ષમતા લગભગ શૂન્ય થઈ ગઈ. ગંભીર ઇજાઓ વચ્ચે પણ કેપ્ટન સમજી ગયા કે વિમાન ખૂબ જ તીવ્ર ગતિથી સીધું નીચે જમીન તરફ ખાબકી રહ્યું છે. મુસાફરોના ચીસો પાડવાના અવાજો અને વિમાનનું અસંતુલન સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે પ્લેન ક્રેશ થવાના આરે છે.
કોકપિટના ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા કેપ્ટને હિંમત એકઠી કરી, જાતે ઊભા થયા અને કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તેમણે દરવાજો એકવાર ખોલી પણ નાખ્યો, પરંતુ હુમલાખોરે તેમને પાછળ ખેંચી લીધા અને દરવાજો ફરીથી બંધ કરી દીધો. કેપ્ટન ફરી નીચે પટકાયા. આ દરમિયાન મુસાફરો પણ દરવાજો ખોલવા માટે મથી રહ્યા હતા. નેતન્યાહુ સાથેની વાતચીતમાં કેપ્ટને દરવાજો ખોલવાની ટેકનિકલ બાબત પણ સ્પષ્ટ કરી હતી, જ્યારે નેતન્યાહુએ પૂછ્યું કે શું તેમને કોઈ 'પિન' ખબર હતી.