દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ (FZ1073)માં કોકપિટમાં થયેલા હુમલાની ઘટના સામે આવી છે. ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે આ હુમલામાંથી બચીને મુસાફરોનો જીવ બચાવ્યો હતો. તેમણે સ્કાઈ ન્યૂઝ અરબિયાને આપેલા ઇન્ટરવ્યુમાં સમગ્ર ઘટનાનો અનુભવ વર્ણવ્યો હતો.
કેપ્ટન મચ્છરે જણાવ્યું કે ઉડાણના લગભગ બે કલાક બાદ કો-પાયલટ હમામ અલ હમામીએ નમાઝ પઢવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સન્માનના ભાગરૂપે તેમણે પોતાનું ધ્યાન બીજી તરફ ફેરવ્યું, તે જ સમયે તેમના માથાના પાછળના ભાગે જોરદાર વાર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેમને લાગ્યું કે પ્લેનની છતનો કોઈ ભાગ તૂટીને પડ્યો છે, પરંતુ થોડી જ ક્ષણોમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમના પર હુમલો થઈ રહ્યો છે. હુમલો એટલો તેજ હતો કે તેમની નજર ધૂંધળી થઈ ગઈ હતી અને તેમને સામેની ચીજો સાફ દેખાતી બંધ થઈ ગઈ હતી.
કેપ્ટન મચ્છરે જણાવ્યું કે હુમલા પછી તેઓ વારંવાર બેભાન થઈ રહ્યા હતા. તેમણે સીટ બેલ્ટ ખોલીને આગળના વારથી બચવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન તેમના હાથમાં પણ ઈજા થઈ હતી. તેમણે બીજા પાયલટને કોકપિટમાં બોલાવવાનો અને દરવાજો ખોલવાના સ્વિચ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર તેઓ દરવાજો ખોલવામાં સફળ પણ રહ્યા, પરંતુ હુમલાખોરની ધમકી બાદ દરવાજો ફરી બંધ થઈ ગયો હતો. બાદમાં તેમણે પ્લેનના એન્જિનના અવાજમાં બદલાવ અને વિમાનને ઝડપથી નીચે જતું અનુભવ્યું હતું. બાદમાં તેમણે પોતાને કોકપિટ અને કોરિડોરની વચ્ચે પડેલા જોયા હતા.
મુશ્કેલ પરિસ્થિતિને યાદ કરતા કેપ્ટને કહ્યું, "મને અહેસાસ થયો કે મારે કંઈક કરવું પડશે. હું આમ મરી શકતો નથી અને મારું મૃત્યુ સ્વીકારી શકતો નથી." તેમણે આ ઘટનાને એક ચમત્કાર ગણાવી અને કહ્યું કે તે વખતે પ્લેનમાં હાજર તમામ લોકોમાં જીવિત રહેવાનો મજબૂત ઇરાદો હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીતમાં પણ તેમણે કહ્યું હતું કે તેમના અંદર એક આખરી લડાઈ બાકી હતી અને તેમને લાગ્યું કે તેમની પાસે કાર્યવાહી કરવાનો વધુ એક મોકો છે.
ફ્લાયદુબઈની આ ફ્લાઈટમાં કો-પાયલટે ઇમરજન્સી ક્રેશ એક્સથી કેપ્ટન મચ્છર પર હુમલો કર્યો હતો. પ્લેનમાં હાજર મુસાફરો, કેબિન ક્રૂ અને ડ્યુટી પર ન હોય તેવા કેટલાક પાયલટોએ સ્થિતિ સંભાળીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ પછી બીજા પાયલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને પ્લેનને સાઉદી અરેબિયાના તબૂક તરફ વાળીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્લેનમાં સવાર તમામ 174 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની થઈ ન હતી.
યુએઈના એર્ટોની જનરલે તપાસ દરમિયાન જણાવ્યું કે કો-પાયલટની યોજના વિમાન પર નિયંત્રણ મેળવીને તેને તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટના પેસેન્જર ટર્મિનલ સાથે અથડાવાની હતી. યુએઈના અધિકારીઓ આ મામલાને હાઇજેક કરવાની કોશિશ તરીકે જોઈ રહ્યા છે અને તપાસ ચાલુ છે. લેન્ડિંગ બાદ કો-પાયલટની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના બાદ કેપ્ટન મચ્છરને તબૂક અને બાદમાં અબુ ધાબીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ તેમણે સૌથી પહેલો ફોન તેમના બે વર્ષના દીકરાને કર્યો હતો. આ સાહસિક કામ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટની હિંમતની પ્રશંસા કરી હતી.