દુબઈ: ફ્લાઈદુબઈની ફ્લાઈટને હાઈજેક કરી ક્રેશ કરવાના કાવતરાની તપાસમાં UAE પોલીસે વધુ બે પાયલટની ધરપકડ કરી છે. આ બંને પાયલટ માલદીવના રહેવાસી છે અને ફ્લાઈદુબઈ એરલાઈનમાં તાજેતરમાં જ ભરતી થયા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંનેની ધરપકડ 3 ઓક્ટોબરે કરવામાં આવી હતી. UAE સ્થિત માલદીવના દૂતાવાસે જણાવ્યું છે કે તેમના પરિવારજનોને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. જોકે માલદીવના અધિકારીઓએ ધરપકડ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે ફ્લાઈદુબઈના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામી પર ફ્લાઈટના મુખ્ય પાયલટ સ્મિત મચ્છર પર કુહાડી વડે હુમલો કરી ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ધરપકડાયેલા બંને પાયલટ કામ દરમિયાન અલ-હમ્મામીના સંપર્કમાં હતા અને એ જ બિલ્ડિંગમાં રહેતા હતા જ્યાં હમ્મામી રહેતો હતો.
જોકે અધિકારીઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ ઘટનામાં તેમનું શું જોડાણ છે અને તેમની સામે શું પુરાવા મળ્યા છે.
UAE પ્રશાસને આ ઘટનાને આતંકવાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો છે. આરોપી કો-પાયલટ કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કરવા માટે ભારતની તપાસ એજન્સી NIAએ પણ ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.