દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરવાના કાવતરાના મામલે સંયુક્ત આરબ અમીરાત (UAE) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ જ એરલાઇનમાં કામ કરતા માલદીવના બે પાયલટની ધરપકડ કરી છે. આ ઘટનાને આતંકી હુમલાનો પ્રયાસ ગણાવી તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ જોડાઈ છે.
ધરપકડ કરાયેલા બંને પાયલટ માલદીવના વતની છે અને તાજેતરમાં જ ફ્લાયદુબઈ એરલાઇનમાં જોડાયા હતા. મીડિયા અહેવાલો મુજબ, UAE પોલીસે 3 ઑક્ટોબરે તેમની અટકાયત કરી હતી. UAE સ્થિત માલદીવના દૂતાવાસે તેમના પરિવારોને જાણ કરી દીધી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ વધુ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો છે.
આ સમગ્ર મામલો 30 સપ્ટેમ્બરનો છે. ફ્લાયદુબઈના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામી પર મુખ્ય પાયલટ સ્મિત મછાર પર કુહાડી વડે હુમલો કરવાનો અને ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરવાનો ગંભીર આરોપ છે. ઘટના બાદ તરત જ આરોપી સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા માલદીવના બંને પાયલટ ફરજ દરમિયાન આરોપી હમ્મામ અલ-હમ્મામીના સતત સંપર્કમાં હતા અને તે જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાં જ રહેતા હતા. જોકે, હાઇજેકના આ કાવતરામાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી અને તેમની સામે કયા પુરાવા મળ્યા છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.
UAE પ્રશાસને આ હુમલાને આતંકવાદી ષડયંત્ર ગણાવ્યું છે. આરોપી કો-પાયલટ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કાવતરા પાછળનો પર્દાફાશ કરવા માટે ભારતીય તપાસ એજન્સી NIA દ્વારા પણ ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.