દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 30 સપ્ટેમ્બરના રોજ એક ગંભીર ઘટના બની હતી. વિમાનના કો-પાઇલટ અલ-હમ્મામીએ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કરીને વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટનની હિંમત અને સમયસૂચકતાને કારણે આ ષડયંત્ર નિષ્ફળ ગયું.
હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિષ્ફળ આતંકી કાવતરા પાછળ ઈરાનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમને પૂછવામાં આવ્યું કે શું આ હુમલાના પાછળ ઈરાન જવાબદાર છે, ત્યારે ટ્રમ્પે કહ્યું, "હા, મને એવું જ લાગે છે. હું અંગત રીતે માનું છું કે આ ષડયંત્ર માટે ઈરાન જવાબદાર છે." તેમના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ અને રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
તપાસ અહેવાલો અનુસાર, ઓમાનના રહેવાસી કો-પાઇલટ અલ-હમ્મામીની યોજના અત્યંત ભયાનક હતી. તેનો ઇરાદો કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરીને તેમને બેભાન કરવાનો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો હતો. ત્યારબાદ તે ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરાણની મંજૂરી મેળવીને વિમાનને કોઈ ઈમારત કે એરપોર્ટ પર ઊભેલા અન્ય વિમાન સાથે ટકરાવીને મોટી તબાહી સર્જવા માંગતો હતો. આ યોજના 9/11 જેવા હુમલા જેવી ઘાતક હતી.
ઉડાન દરમિયાન કો-પાઇલટે કોકપિટમાં જ કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા અને વધુ રક્તસ્ત્રાવને કારણે તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. પરંતુ કેપ્ટને હિંમત ન હારી. તેમણે જેમતેમ કરીને કોકપિટનો દરવાજો અંદરથી ખોલ્યો. દરવાજો ખુલતાં જ બહાર રહેલા ક્રૂ સભ્યો અને સાહસિક મુસાફરો તરત જ કોકપિટમાં દોડી આવ્યા અને હુમલાખોર કો-પાઇલટને દબોચી લીધો. આ રીતે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા.